ઈસ્લામાબાદ: કાશ્મીર મુદ્દાને લઈને ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્માબાદમાં લોકો ભારત વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરતા એક પોસ્ટર દેખાડી રહ્યા છે. સ્થાનિક મીડિયામાં આ પ્રકારના પ્રદર્શનની તસવીરો અને અહેવાલો છપાઈ રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓના હાથોમાં એક પોસ્ટર જોવા મળી રહ્યું છે, જેમાં પાકિસ્તાનના આર્મી ચીફ રાહિલ શરીફને ભારતીય વડાપ્રધાન નરેંદ્ર મોદીનું કપાયેલું માથુ હાથમાં પકડેલુ દેખાડ્યું છે. આર્મી પ્રમુખના બીજા હાથમાં લોહીથી લથપથ ખંજર જોવા મળી રહ્યું છે.

પાકિસ્તાની અખબાર ‘ધ નેશન’ પ્રમાણે ઈસ્માબાદમાં લોકો આતંકી બુરહાન વાનીના ઠાર મરાયા પછી કાશ્મીરમાં થયેલી હિંસાને લઈને ભારત વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે અને ભારત વિરોધી નારા લગાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 8 જુલાઈએ કાશ્મીરમાં સુરક્ષા જવાનોએ આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદીનના કમાંડર બુરહાન વાનીને ઠાર માર્યો હતો. જેના પછી ઘાટીમાં વિરોધ પ્રદર્શન અને હિંસક બનાવો બની રહ્યા છે. પ્રદર્શનકારીઓ અને સુરક્ષા જવાનોની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધી 80થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.