Priti Patel Resigns As UK Home Secretary: બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસની જીત બાદ બ્રિટનમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઇ ગઇ છે. પ્રીતિ પટેલે સોમવારે રાત્રે બ્રિટનના ગૃહ સચિવ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે નવા ચૂંટાયેલા વડાપ્રધાન લિઝ ટ્રસની કેબિનેટમાં સેવા ન આપવાનો નિર્ણય લીધો છે.






યુકેના પૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનને લખેલા પત્રમાં પ્રીતિ પટેલે લખ્યું હતું કે  "લિઝ ટ્રસે ઔપચારિક રીતે પદ સંભાળ્યું અને નવા ગૃહ સચિવની નિમણૂક કર્યા પછી મેં દેશ અને મારા વિથમ મતવિસ્તારમાં મારી જાહેર સેવા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જેને ધ્યાનમાં રાખીને મેં ગૃહ સચિવ પદ પરથી રાજીનામું આપ્યું છે. મેં મારી જાતે જ આ નિર્ણય લીધો છે.


પ્રીતિ પટેલે લિઝ ટ્રસને  દેશના નવા વડાપ્રધાન બનવા પર  અભિનંદન પાઠવ્યા છે અને નવા વડાપ્રધાન તરીકે તેમને સમર્થન આપવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યુ હતું કે હું સરકારની અંદર અને બહાર બંને માટે ઘણી નીતિઓ અને કારણોને સમર્થન આપીશ. છેલ્લા ત્રણ વર્ષથી યુકેના ગૃહ સચિવ તરીકે સેવા આપવા બદલ તેમણે ઊંડો આદર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મને પોલીસને ટેકો આપવા, આપણી ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારો કરવા અને આપણા દેશની સુરક્ષા માટે મેં જે કામ કર્યું છે તેના પર મને ગર્વ છે.






પ્રીતિ પટેલે બોરિસ જોન્સનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, તમારા પ્રીમિયરશીપ દરમિયાન તમારી સાથે દેશની સેવા કરવી એ એક મહાન સન્માન અને વિશેષાધિકાર હતો. PM તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જોન્સનના  યોગદાનને યાદ કરતાં પટેલે લખ્યું, "જ્યારે તમે જુલાઈ 2019 માં વડાપ્રધાન બન્યા ત્યારે આપણી રાજકીય વ્યવસ્થા તૂટી ગઈ હતી. કેટલાક સાંસદોએ લોકશાહી માટે તિરસ્કાર દર્શાવ્યો હોવાથી સંસદ પોતે જ તૂટી રહી હતી. સંસદમાં મડાગાંઠને તોડીને અને 2019ની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક કન્ઝર્વેટિવ વિજય મેળવ્યો છે.