Sri lanka Crisis: શ્રીલંકામાં રાજકીય અને આર્થિક સંકટ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. શ્રીલંકામાં છેલ્લા ઘણા સમયથી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, હાલ સમગ્ર દેશમાં કટોકટી (Emergency) લાદી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા બાદ શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજકીય અને આર્થિક સંકટ વચ્ચે પણ શ્રીલંકામાંથી વિચિત્ર અને હાસ્પાસ્પદ તસવીરો સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો સામે આવ્યો છે જે ખૂબ જ ચોંકાવનારો છે. આ વીડિયો રિટાયર્ડ IAS ઓફિસર સૂર્ય પ્રતાપ સિંહે ટ્વિટર પર શેર કર્યો છે.
રાષ્ટ્રપતિની ખુરશી પર બેઠેલા પ્રદર્શનકારીઓઃ
આ વીડિયોમાં તમે પ્રદર્શનકારીઓને શ્રીલંકાના રાષ્ટ્રપતિની ખુરશી પર બેઠેલા જોઈ શકો છો. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિની ખુરશી પર બેસવા અને ફોટો પડાવવા માટે પડાપડી કરી રહ્યા છે. આ પ્રદર્શનકારીઓ વારાફરતી રાષ્ટ્રપતિની ખુરશી પર બેસે છે અને ફોટો પડાવે છે. કોઈ દેશના રાષ્ટ્રપતિનું પદ અને તેમની ખુરશી ખુબ ઉંચુ સ્થાન ધરાવે છે. ત્યારે શ્રીલંકામાં સ્થિતિ એવી સર્જાઈ છે કે, દેશના સર્વોચ્ચ વ્યક્તિની ખુરશી પર જનતા બેસી ગઈ છે. આ વીડિયો જોઈને બધા ચોંકી ગયા છે.
દેખાવકારો સ્વિમિંગ પુલમાં ન્હાતા જોવા મળ્યા હતા
તમને જણાવી દઈએ કે ,શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધો છે. જેના કેટલાક ફોટો અને વીડિયો સામે આવ્યા છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. કેટલાક વીડિયોમાં પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવનના રૂમમાં આરામ કરતા અને સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળ્યા હતા.