વોશિંગ્ટનઃ ઈરાકમાં ઈરાનના મેજર જનરલ કાસિમ સુલેમાની અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યા ગયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, નવી દિલ્હીમાં આતંકી હુમલાનું કાવતરું રચ્યું હતું. ટ્રમ્પે સનસનીખેજ આરોપ લગાવતાં કહ્યું, સુલેમાનીએ નિર્દોષ લોકોની હત્યા કરી, નવી દિલ્હી અને લંડનમાં આતંકી હુમલાનું કાવતરું રચ્યું. તેમણે સુલેમાની પર હુમલો કરવાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે 'આતંકવાદનો શાસનકાળ પુરો થઈ ગયો છે'.


ટ્રમ્પે કહ્યું, આજે અમે સુલેમાનીના અત્યાચારોનો ભોગ બનેલા લોકોને યાદ કરીએ છીએ અને સન્માનિત કરીએ છીએ. તેના આતંકરાજનો હવે ખાતમો થઈ ગયો છે તે જાણીને આનંદ થાય છે. જોકે તેમણે ભારતમાં કયા આતંકી કાવતરું રચ્યું હતું તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. ટ્રમ્પે દિલ્હીમાં જનરલ સુલેમાનીના આતંકી કાવતરાનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ તેમને આ વિશે વધારે માહિતી નહતી. દિલ્હીમાં ફેબ્રુઆરી 2012માં ઈઝરાયલ ડિપ્લોમેટની પત્ની ટાલ યોહોશુઆ કોરેન જ્યારે તેમના બાળકોને સ્કૂલ મુકીને પરત આવી રહ્યા હતા ત્યારે કોઈએ તેમની કારમાં એક બોમ્બ ફિટ કરી દીધો હતો. બ્લાસ્ટમાં ડિપ્લોમેટની પત્ની, ડ્રાઈવર અને અન્ય બે મુસાફરો ઘાયલ થયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સે આ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. આ ઘટનામાં એક ઈરાની યુવકની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે ત્યારપછી તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે, ટ્રમ્પ આ જ ભારતની ઘટનાને જનરલ કાસિમ સાથે જોડી રહ્યા છે.


જનરલ સુલેમાની ઈરાનના અલ-કુદ્સ સૈન્ય દળનો વડો હતો. શુક્રવારે બગદાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી નીકળેલા તેના કાફલા પર યુએસના ડ્રોન હુમલામાં તે માર્યો ગયો હતો. આ હુમલામાં ઈરાનના શક્તિશાળી અર્ધ લશ્કરી દળના નાયબ વડા હાશ્દ અલ-શાબી અને કેટલાક અન્ય ઈરાન સમર્થિત સ્થાનિક લશ્કરી સૈનિકો પણ માર્યા ગયા હતા.


ટ્રમ્પે કહ્યું કે સુલેમાની છેલ્લા 20 વર્ષથી પશ્ચિમ એશિયાને અસ્થિર કરવા આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તેમણે કહ્યું કે શુક્રવારે અમેરિકાએ જે કર્યું હતું તે ખૂબ પહેલાં કરી લેવું જોઇતું હતું. જો આ કામ પહેલાં થયું હોત તો ઘણાં જીવન બચાવી શક્યા હોત. તાજેતરમાં, સુલેમાનીએ ઈરાનમાં વિરોધીઓને નિર્દયતાથી દબાવ્યા હતા. સુલેમાનીની મૃત્યુથી યુદ્ધ શરૂ નહીં થાય. તેમણે કહ્યું, 'ગઈકાલે રાત્રે અમે યુદ્ધ અટકાવવા કાર્યવાહી કરી હતી. અમે યુદ્ધ શરૂ કરવા કાર્યવાહી કરી નથી. ઇરાનીઓ ઉત્તમ લોકો છે અને અભૂતપૂર્વ વારસો ધરાવે છે અને તેમની ક્ષમતાઓ અમર્યાદિત છે. આપણે શાસનમાં પરિવર્તન નથી માંગતા.

ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ યથાવત, જાણો ક્યાં નોંધાયું સૌથી ઓછું તાપમાન

NPR, NRC અને CAA એક સિક્કાની બે બાજુ; વિરોધ કરવાનો અમને ગર્વઃ પી ચિદમ્બરમ

‘સ્વિંગના સુલતાન’ ઈરફાન પઠાણનો આ રેકોર્ડ તોડવો છે મુશ્કેલ, જાણો વિગતે