Colombo : યુનાઈટેડ નેશનલ પાર્ટીના નેતા રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રીલંકાની 225 સભ્યોની સંસદમાં રાનિલ વિક્રમસિંઘેની યુનાઇટેડ નેશનલ પાર્ટી (UNP) પાસે માત્ર એક સીટ છે, પરંતુ તે દેશના આગામી વડાપ્રધાન બન્યા છે.


શ્રીલંકાના ચાર વખત વડાપ્રધાન રહી ચૂકેલા વિક્રમસિંઘેને ઓક્ટોબર 2018માં તત્કાલિન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ વડાપ્રધાન પદ પરથી હટાવી દીધા હતા. જો કે, બે મહિના પછી જ સિરીસેનાએ તેમને આ પદ પર પુનઃસ્થાપિત કર્યા. વિક્રમસિંઘેને વચગાળાના વહીવટનું નેતૃત્વ કરવા માટે તમામ પક્ષોનું સમર્થન મળ્યું છે. તેમની સરકાર છ મહિના સુધી ચાલી શકે છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, શાસક પાર્ટી  શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP), વિરોધ પક્ષ સામગી જના બાલવેગયા (SJB) અને અન્ય કેટલાક પક્ષોએ સંસદમાં વિક્રમસિંઘેની બહુમતી સાબિત કરવા માટે તેમનો ટેકો આપ્યો  છે.


રાનિલ વિક્રમસિંઘેની રાજકીય કારકિર્દી
રાનિલ વિક્રમસિંઘેના અંગત જીવનની વાત કરીએ તો તેનો જન્મ 24 માર્ચ, 1949ના રોજ કોલંબોમાં થયો હતો. તે એક સમૃદ્ધ પરિવારમાંથી આવે છે જ્યાં તેના પિતા પોતે જાણીતા વકીલ હતા. રાનિલે પોતે પણ કાયદાની પ્રેક્ટિસ કરી છે અને સિલોન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. 


ત્યારબાદ 70ના દાયકામાં રાનિલે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું અને તે શ્રીલંકાની સૌથી જૂની પાર્ટી યુનાઈટેડ નેશનલ પાર્ટીમાં જોડાઈ ગયા. શરૂઆતથી જ રાજનીતિના મામલામાં તેમના નિર્ણયોના વખાણ થઈ રહ્યા હતા, જનતા સાથે પણ એક જોડાણ હતું. આવી સ્થિતિમાં, જ્યારે તેઓ 1977માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેમણે તેમાં મોટી જીત નોંધાવી હતી. 


જે બાદ તેમને પહેલા વિદેશ મંત્રાલયના ડેપ્યુટી મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા, આ પદ બહુ મોટું નહોતું, પરંતુ તેમણે શરૂઆત કરી હતી. આ પછી, તેમણે યુવા, રોજગારથી લઈને ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયો સંભાળ્યા.


ભારતના મિત્ર છે રાનિલ વિક્રમસિંઘે 
રાનિલ વિક્રમસિંઘે 5 વખત શ્રીલંકાના વડાપ્રધાન રહી ચૂક્યા છે.રાનિલ વિક્રમસિંઘે ચીન તરફી મહિન્દા રાજપક્ષે કરતાં ભારતની વધુ નજીક છે. રાનિલના પીએમ બનવાથી ભારત સાથેના સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બનશે તેવી અપેક્ષા છે.