Russia Ukraine War: યુક્રેનમાં રશિયાએ ચાલુ કરેલા યુદ્ધને અટકાવવા માટે અમેરિકા આર્થિક પ્રતિબંધો લાદીને રશિયાને રોકવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અમેરિકાની સાથે-સાથે અન્ય દેશો જેવા કે, યુરોપીય સંઘ, યુકે, જર્મની, ફ્રાંસ, કેનેડા સહિતના દેશો પણ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાવી રહ્યા છે. વિવિધ દેશોએ મુકેલા આ પ્રતિબંધો હાલ રશિયાએ ગણકાર્યા નથી. પરંતુ હવે અમેરિકાએ રશિયાને રોકવા માટે SWIFT સંગઠનમાંથી હટાવવા માટે નિર્ણય કર્યો છે. 


શું છે SWIFT?


જે SWIFTના સહારે અમેરિકા અને તેના સાથી દેશો રશિયાને ઘેરવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેને પહેલાં સમજવું જરૂરી છે. SWIFT - 'સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન'એ વિશ્વની અગ્રણી બેંકિંગ સંચાર સેવા છે, જે ભારત સહિત 200 થી વધુ દેશોમાં આશરે 11,000 બેંકો અને નાણાકીય સંસ્થાઓને જોડે છે. વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાના સારી રીતે સંચાલન માટે આ સિસ્ટમ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો રશિયા આ સિસ્ટમ (SWIFT)માંથી બહાર નીકળી જશે તો તે તેના માટે મોટો ફટકો હશે. અમેરિકા અને તેના સહયોગી દેશો રશિયાને SWIFTને હટાવીને તેની બેન્કિંગ સિસ્ટમને નિબળી કરવા ઈચ્છે છે. જેથી રશિયાને આર્થિક રીતે નબળું પાડી શકાય.


કઈ રીતે અસર કરશે આ પગલુંઃ


દુનિયાની બધી બેંકો આ SWIFT સિસ્ટમ સાથે જોડાયેલી છે. જો રશિયાન બેંકો આ સિસ્ટમમાંથી હટી જાય તો રશિયાની બેન્કિંગ સિસ્ટમ અટકી પડશે. રશિયા પોતાના તેલ અને ગેસની નિકાસ કરવા માટે આ SWIFT સિસ્ટમ પર જ નિર્ભર છે. આ સિસ્ટમાંથી હટતાં જ રશિયાની ગેસ અને તેલની નિકાસ પર પણ ગંભીર અસર પડશે. તેથી આ પગલું રશિયાને આર્થિક સ્તર પર ફટકો આપશે. 


રશિયાની સેન્ટ્રલ બેન્ક પણ નિશાના પરઃ


અમેરિકા અને તેના સહયોગી દેશોએ કહ્યુ કે, અમે એ પ્રતિબંધાત્મક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છીએ જે રશિયન સેન્ટ્રલ બેન્કને આંતરરાષ્ટ્રીય સ્તરે રિઝર્વ ફંડ મેળવતાં રોકી શકે. જેથી કરીને અમે લગાવેલા પ્રતિબંધોનો પ્રભાવ નબળો ના પડે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં યુરોપના કેટલાક દેશો રશિયાને સ્વિફ્ટ સિસ્ટમથી અલગ ના કરવાના પક્ષમાં હતા. તેમની દલીલ હતી કે આમ કરવાતી તેલ અને ગેસના ચુકવણા કરવામાં તકલીફ પડશે.