Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે ઉભી થઈ રહેલી સ્થિતિથી બીજા દેશોની પણ ચિંતા વધી છે. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ચોથો દિવસ છે. કિવને કબજે કરવા રશિયાએ હુમલા તેજ કર્યા છે. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં સેંકડો નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઓપરેશન ગંગા હેઠળ સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે. દરેક ભારતીયોને સુરક્ષિત વતન લાવવા મોદી સરકારના પ્રાથમિકતા છે.
રશિયન સેના ખુદ ત્રિરંગો લગાવેલા વાહનોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી રહી છે
આ દરમિયાન સૌથી મોટી વાત સામે આવી છે કે ત્રિરંગા સાથે ભારતીયો વતન પરત ફરી રહ્યા છે. યુક્રેનમાં ત્રિરંગો ભારતીયોનું સુરક્ષા કવચ બન્યું છે. બીજા દેશની સરહદ પર પહોંચી રહેલા વિદ્યાર્થીઓએ બસ અને અન્ય વાહનો પર ત્રિરંગો લગાવ્યો છે. ઉપરાંત ભારત સરકારના આદેશની કોપી બસ અને ગાડી પર ચોંટાડી દીધી છે. ત્રિરંગાને જોઈ રશિયન સેનાના જવાનો પણ સમ્માન કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે તેમને નિર્ધારીત સ્થળ સુધી પહોંચાડી રહ્યા છે. રશિયન સેના ખુદ ત્રિરંગો લગાવેલા વાહનોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી રહી છે. ભારત પહોંચેલા વિદ્યાર્થીના કહેવા મુજબ ત્રિરંગો લગાવેલો ઝંડો જોઈ બસોને સન્માન અને રોક ટોક વગર જવા દેવામાં આવી રહી છે.
ભારતીયોની બસ પર લગાવેલો ત્રિરંગો જ તેમની સુરક્ષાની સૌથી મોટી ગેરંટી: પુતિન
યુક્રેન યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરીને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેના પર રશિયન રાષ્ટ્રપતિએ આશ્વાસન આપ્યું હતું કે ભારતીયોની સુરક્ષાની પૂરતો પ્રબંધ કરીશું. પુતિને કહ્યું હતું કે, યુક્રેન છોડનારા ભારતીયોની બસ પર લગાવેલો ત્રિરંગો જ તેમની સુરક્ષાની સૌથી મોટી ગેરંટી છે. પુતિને કહ્યું હતું કે જે ગાડી અને બસ પર ત્રિરંગો લાગ્યો હશે તેમને રશિયન સેના સુરક્ષિત રીતે બોર્ડર પર પહોંચાડશે અને કોઈ રોકશે પણ નહીં.