Russia Ukraine War: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નજીકની વ્યક્તિએ રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મોટો દાવો કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના મુખ્ય સહયોગી એલેક્ઝાન્ડર ડુગિને દુનિયાને થથરાવી મુકે તેવી ધમકી ઉચ્ચારી હતી. એલેક્ઝાન્ડર ડુગિને કહ્યું હતું કે, યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં કાં તો મોસ્કો જીતશે કાં તો દુનિયા બરબાદ થઈ જશે. 


એલેક્ઝાન્ડર ડુગિને કહ્યું હતું કે, બે શક્યતાઓ છે. પહેલી જ્યારે આપણે જીતીશું ત્યારે યુદ્ધ સમાપ્ત થશે. જોકે એ એટલું સરળ નથી. અને બીજી શક્યતા એ છે કે, આ યુદ્ધ વિશ્વના અંત સાથે સમાપ્ત થશે. કાં તો આપણે જીતીશું, અથવા વિશ્વનો નાશ થશે.


પુતિનના ગુરૂ છે એલેક્ઝાન્ડર


ઉલ્લેખનીય છે કે, એલેક્ઝાંડર ડુગિનને પુતિનના માર્ગદર્શક અથવા 'પુતિનના મગજ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, મને ખાતરી છે કે રશિયા દુશ્મનો સામે હાર સ્વીકારશે નહીં. અમે યુદ્ધના અંતે વિજય સિવાય બીજું કોઈ સમાધાનસાંખી નહીં લઈએ. આ માટે આપણા દેશવાસીઓ, અમારો દેશ અને અમારા રાષ્ટ્રપતિ સંપૂર્ણ રીતે સહમત છે.


યુક્રેનિયન આતંકવાદીઓના હાથે તેમની પુત્રીના મૃત્યુની યાદમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ડુગિને આમ કહ્યું હતું. જો આતંકવાદી હુમલામાં મારી ના ગઈ હોત તો ડુગિનની પુત્રી મારિયા આજે 30 વર્ષની થઈ ગઈ હોત. દીકરીના મોતને લઈને દુગિની ભાવુક થઈ ગયા હતાં અને તેમણે કહ્યું હતું કે, જો આતંકવાદીઓ દીકરીને બદલે મને મારવા માંગતા હોત તો મેં એક નહીં પણ બે વાર મરવાનું પસંદ કર્યું હોત.


માણસ અને દુષ્ટ શક્તિ વચ્ચેનો સંઘર્ષ


તેમણે કહ્યું હતું કે, આ યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે નથી. તે બે દેશો વચ્ચે અથવા રશિયા અને સામૂહિક પશ્ચિમ વચ્ચેની લડાઈ નથી. મુખ્ય સંઘર્ષ માણસ અને દુષ્ટ શક્તિ વચ્ચે છે, જે દરેક દેશ, દરેક સંસ્કૃતિ અને દરેક વ્યક્તિ પર હુમલો કરે છે, અને આ કાળી શક્તિ આત્મા, સત્યનો નાશ કરવા માંગે છે. તેને પરંપરાગત શાણપણ અને નકલી સમાચારોથી બદલવા માંગે છે.


વર્ચસ્વ સામે માનવતાનું યુદ્ધ


ડુગિને આગળ ઉમેર્યું હતું કે, યુદ્ધ એકધ્રુવીય વિશ્વ વ્યવસ્થા સામે બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાનું છે. આ રશિયા-યુક્રેન અથવા યુરોપ વિશે કંઈ નથી. આ યુદ્ધ પશ્ચિમ અને બાકીના લોકો વિરુદ્ધ નથી પરંતુ આ યુદ્ધ વર્ચસ્વ સામે માનવતાનું યુદ્ધ છે. વિશેષ લશ્કરી કામગીરીના ઘણા નકારાત્મક પાસાઓ છે. હું મારા દેશ, મારા રાષ્ટ્રપતિ અને મારા લોકોનું સમર્થન કરું છું જેઓ બહુધ્રુવીય વિશ્વમાં ન્યાય અને શાંતિ માટે લડી રહ્યા છે.