Russia Ukraine War: યુક્રેનના ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે ખૂબ દુઃખ સાથે અમે  પુષ્ટી કરીએ છીએ કે આજે સવારે ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે તેમના પરિવારના પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.


તેમણે કહ્યું કે ભારતીય હજુ પણ ખારકિવ અને અન્ય સંઘર્ષ ક્ષેત્રોમાં છે. મૃતક ભારતીય વિદ્યાર્થીની ઓળખ કર્ણાટકના હાવેરી જિલ્લાના નવીન એસજી તરીકે થઇ છે. વિદ્યાર્થી એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો.






અગાઉ, ખારકીવ પ્રાદેશિક વહીવટના વડા ઓલેહ સિનેહુબોવે જણાવ્યું હતું કે રશિયાએ મંગળવારે ખારકિવના મધ્યમાં રહેણાંક ઇમારતો સાથેની વહીવટી ઇમારત પર ફાયરિંગ કર્યું હતું. જોકે આ ફાયરિંગમાં કેટલા લોકોના મોત થયા હતા તેની તેઓએ કોઇ જાણકારી આપી નહોતી. અગાઉ તેમણે કહ્યું હતું કે સોમવારે ખારકિવમાં થયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે યુક્રેનિયન સૈન્ય રશિયાની આર્મીને શહેરમાં આગળ વધતી  રોકવાનો પ્રયાસ કરી રહી છે. યુક્રેનિયન સોશિયલ નેટવર્ક્સ પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં જોઇ શકાય છે કે  ખારકિવ એક બિલ્ડિંગમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં તેની નજીક પાર્ક કરેલી ઘણી કારને નુકસાન થયું હતું. આ વિસ્ફોટથી બિલ્ડિંગની બારીઓના કાચ તૂટી ગયા હતા.


રશિયાના હુમલામા યુક્રેનની ઇમારત ધરાશાયી


રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત છ દિવસથી ચાલી રહ્યું છે. રશિયાની સૈન્ય હજી પણ યુક્રેનની રાજધાની કિવ પર બોમ્બમારો કરી રહી છે.  રશિયાએ દાવો કર્યો હતો કે તેમના હુમલામાં 70થી વધુ યુક્રેનના સૈનિકો માર્યા ગયા છે. રશિયન સૈનિકો હવે કિવથી માત્ર થોડા કિલોમીટર દૂર હોવાનું કહેવાય છે. બંને એકબીજાને નુકસાન પહોંચાડવાનો સતત દાવો કરી રહ્યાં છે. રશિયન સેનાએ ખાર્કિવમાં સરકારી વિભાગની હેડઓફિસ પર મિસાઈલ વડે નષ્ટ કરી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે