નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે કોરોના સંક્રમણને જોતા બીજા દેશોમાંથી હાજીઓને આવવાની મંજૂરી નહીં હોય. સોશિયલ ડિસ્ટેંસિંગની જોગવાઈના કારણે આ ફેંસલો લેવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લોકોમાં કોરોના સંક્રમણને રોકવા માટે સુરક્ષાનો પૂરતો ખ્યાલ રાખવામાં આવશે.
આ વર્ષે હજનું આયોજન ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં થવાનું છે. શારીરિક રીતે સ્વસ્થ અને આર્થિક રીતે સંપન્ન મુસ્લિમ વ્યક્તિ જીવનમાં એક વખત હજની ઈચ્છા રાખે છે. આ કારણે દર વર્ષે 20 લાખથી વધારે મુસલમાન હજ માટે મક્કા આવે છે. પરંતુ આ વખતે બીજા દેશના મુસલમાનો હજ કરવા સાઉદી અરબ નહીં જઈ શકે.
કોરોના સંકટને જોતા આ વખતે હજ યાત્રા સ્થગિત થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. એપ્રિલ મહિનામાં હજ મામલાના મંત્રી મોહમ્મદ સાલેહ બંતને કહ્યું હતું કે, સાઉદી અરબ હાજીઓની સુરક્ષાને લઈ ચિંતિત છે અને લોકોને બુકિંગ કરાવવામાં કોઈ પ્રકારની ઉતાવળ ન કરે તેવી અપીલ કરી હતી. કોરોના વાયરસ સંક્રમણના ખતરાને જોતાં ઉમરાને પણ બંધ રાખવામાં આવ્યું હતું.