અમેરિકન વેબસાઇટ dailybeastના જણાવ્યા અનુસાર, વિદેશ વિભાગે એની વેબસાઇટ પર સોમવારે રાત્રે 7.49 વાગ્યે એક મેસેજ મૂક્યો હતો. આ મેસેજમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થયો છે. આ મેસેજમાં તારીખની સાથે સમય પણ લખાયેલો છે. આ પોસ્ટ વાઇરલ થઈ જતાં વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો હતો. અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા થોડીવાર પછી આ પોસ્ટ દૂર કરવામાં આવી હતી પણ એ પહેલાં લાખો લોકો સુદી આ પોસ્ટ પહોંચી ગઈ હતી. હજારોએ લોકોએ વેબસાઇટના પેજનો સ્ક્રીનશોટ લઈને તેને પણ વાયરલ કર્યો છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે હજી સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. ટ્રમ્પની ટીમ અથવા વ્હાઇટ હાઉસ પણ આ મામલે મૌન છે તેથી ટ્રમ્પને તગેડી મૂકાયા હોવાની વાત સાચી હોવાનું લોકો માને છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ, વ્હાઇટ હાઉસ કે ટ્રમ્પના પ્રેસ સેક્રેટરીએ સત્તાવાર રીતે આ મામલે કંઈ કહ્યું નથી. વેબસાઇટ પર આ મેસેજ કેવી રીતે મૂકાયો, તેના માટે કોણ જવાબદાર છે, આ ટેક્નિકલ ખામી હતી કે વેબસાઇટને હેક કરી દેવાઈ છે એ સહિતના ઘણા સવાલો ઉઠી રહ્યા છે.