President Salva Kiir : દક્ષિણ સુદાનના રાષ્ટ્રપતિ સાલ્વા કીર માયાર્ડિતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને સુદાનમાં પત્રકારો અને સરકાર વચ્ચે ઉગ્ર રકઝક ચાલી રહી છે. આટલું જ નહીં રાષ્ટ્રપતિના વીડિયોને લઈને દક્ષિણ સુદાનમાં 6 પત્રકારોની અટકાયત કરવામાં આવી છે. પ્રેસ ફ્રીડમ વોચડોગ કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સ (CPJ) અનુસાર, આ અનધિકૃત વિડિયો ફૂટેજ બહાર પાડવાની શંકાના આધારે પત્રકારોની અટકાયત કરવામાં આવી છે.
હકીકત એવી છે કે તાજેતરમાં રાષ્ટ્રપતિ સાલ્વા કીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તેમનું પેન્ટ ભીનું દેખાઈ રહ્યું છે. આ વીડિયો જાહેર કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યો છે. ધ ગાર્ડિયન અનુસાર, વીડિયોમાં દક્ષિણ સુદાનના રાષ્ટ્રપતિ સાલ્વા કીરને દેશના રાષ્ટ્રગીત માટે ઉભા જોઈ શકાય છે, જ્યારે તેમના પેન્ટનો ભાગ ભીનો દેખાય છે. તેમણે પેન્ટમાં જ પેશાબ કરી દીધો હતો.
શું પેન્ટમાં જ કરી દીધો પેશાબ?
આ કાર્યક્રમમાં મીડિયાના કેમેરા હાજર રહ્યા હતા જે સમગ્ર કાર્યક્રમને કવર કરી રહ્યા હતા. આ દરમિયાન મીડિયાએ રાષ્ટ્રપતિના પેન્ટ પર કેમેરા ફોકસ કરીને આ ઘટનાને કેદ કરી હતી. વીડિયો પરથી દરેકને શંકા ગઈ હતી કે રાષ્ટ્રપતિએ પોતાના પેન્ટમાં પેશાબ કરી લીધો હતો. વીડિયો વાયરલ થયા બાદ સુદાનના લોકોએ સાલ્વા કીરની દેશનું શાસન કરવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. હકીકત એવી પણ છે કે, રાષ્ટ્રપતિ સાલ્વા કીર માયાર્ડિત દક્ષિણ સુદાનના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી દેશમાં કોઈ ચૂંટણી જ યોજાઈ નથી.
આ 6 પત્રકારોની ધરપકડ કરવામાં આવી
જે પત્રકારોની અટકાયત કરવામાં આવી છે તેમાં કંટ્રોલ રૂમના ડાયરેક્ટર જોબલ ટોમ્બે, કેમેરા ઓપરેટર અને ટેકનિશિયન વિક્ટર લાડો, કેમેરા ઓપરેટર જોસેફ ઓલિવર અને જેકબ બેન્જામિન, કેમેરા ઓપરેટર અને ટેકનિશિયન મુસ્તફા ઉસ્માન અને કંટ્રોલ રૂમ ટેકનિશિયન ચેરબેક રૂબેનનો સમાવેશ થાય છે.
કમિટિ ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સના પ્રતિનિધિ મુથોકી મુમોએ જણાવ્યું હતું કે, ધરપકડ સરકારના મનસ્વી વલણને પ્રતિબિંબિત કરે છે, જેમાં પત્રકારો સરકાર દ્વારા નિયંત્રિત છે. તેમણે કહ્યું હતું કે, "અધિકારીઓએ આ 6 પત્રકારોને બિનશરતી મુક્ત કરવા જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે ભવિષ્યમાં તેઓ કોઈ જ ધાકધમકી અને ધરપકડ વિના કામ કરી શકે."