કોલંબોઃ  ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ બરબાદ થઈ ગયેલી અર્થવ્યવસ્થાને બચાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. શ્રીલંકાએ હવે તેના ખર્ચમાં ઘટાડો કરવા માટે 300 કન્ઝ્યુમર ગુડ્સની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ચોકલેટ-શેમ્પૂ સહિત અનેક પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.


આઝાદી પછીનું સૌથી મોટું સંકટ


આઝાદી પછી એટલે કે વર્ષ 1948 પછી શ્રીલંકા હાલમાં સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર લગભગ ખતમ થઈ ગયો છે. ફોરેક્સ રિઝર્વની અછતને કારણે દેશ આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરી શકતો નથી. દેશમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સ્થાનિક લોકો ઈંધણ, વીજળી, ખાદ્યપદાર્થો અને દવાઓની અછત સાથે સંઘર્ષ કરી રહ્યા છે.


આ સામાનની આયાત પર પ્રતિબંધ


પીટીઆઈના જણાવ્યા અનુસાર તમામ પ્રયાસો છતાં શ્રીલંકામાં બગડતી સ્થિતિ કાબૂમાં આવી રહી નથી. જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત અને ચરમસીમાએ પહોંચી ગયેલી મોંઘવારીએ પ્રજાને દયનીય બનાવી દીધી છે અને તેઓ રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ફરજ પડી છે. આવી સ્થિતિમાં હવે અર્થવ્યવસ્થાને સંભાળવાની કવાયતના ભાગરૂપે સરકારે એક મોટું પગલું ભર્યું છે. આ અંતર્ગત ચોકલેટ, પરફ્યુમ, મેક-અપ આઈટમ્સ, શેમ્પૂ સહિત કેટલીક ચીજવસ્તુઓ અને અન્ય સામાનની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


ખર્ચ ઘટાડવાના પ્રયાસો


શ્રીલંકાની આ કવાયત ખર્ચ ઘટાડવા માટે છે. નાણા મંત્રાલય દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડીને માહિતી આપવામાં આવી છે. 22 ઓગસ્ટ 2022ના રોજ આયાત અને નિકાસ નિયંત્રણ નિયમન હેઠળ, વિવિધ ઉપભોક્તા વસ્તુઓ સહિત અનેક પ્રકારની વસ્તુઓના આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નોટિફિકેશન મુજબ, તેમાંથી જે સામાન 23 ઓગસ્ટ પહેલા મોકલવામાં આવ્યો છે અને 14 સપ્ટેમ્બર પહેલા દેશમાં પહોંચવાનો છે, તેના પર પ્રતિબંધની અસર નહીં થાય.


શ્રીલંકાએ તેના 2023 ના બજેટની રાજકોષીય ખાધને અગાઉના નાણાકીય વર્ષમાં અંદાજિત 9.9 ટકાથી ઘટાડીને 6.8 ટકા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કેબિનેટના એક વરિષ્ઠ સભ્યએ મંગળવારે આ માહિતી આપી હતી. મોનેટરી ફંડના સભ્યો શ્રીલંકાને સહાય અંગે નિર્ણય લઈ શકે છે. દેશનું વિદેશી હુંડિયામણ લગભગ ખતમ થઈ ગયું છે. આ કારણોસર ગયા એપ્રિલ મહિનામાં દેશે પોતાને ડિફોલ્ટર જાહેર કર્યો હતો.


22 મિલિયન લોકોની વસ્તી ધરાવતા દેશમાં ભારે વિરોધ બાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને તેમના પદ પરથી રાજીનામું આપવાની અને દેશ છોડવાની ફરજ પડી હતી. શ્રીલંકાના માહિતી પ્રધાને જણાવ્યું હતું કે શ્રીલંકા આ નાણાકીય વર્ષમાં બજેટ ખાધને જીડીપીના 6.8 ટકા સુધી ઘટાડવાની યોજના ધરાવે છે. 2022માં આ આંકડો 9.9 ટકા હોવાનો અંદાજ હતો.