Sri Lanka Crisis : શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યાં છે. શ્રીલંકામાં હવે રાજપક્ષે પરિવારના શાસનનો અંત આવ્યો છે. હવે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પણ રાજીનામું આપશે. આ પહેલા રાજપક્ષે પરિવારના મોટા નેતા મહિન્દા રાજપક્ષેએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું અને તેમની સાથે શ્રીલંકા સરકારમાં રહેલા રાજપક્ષે પરિવારના મંત્રી બાસીલ રાજપક્ષે, ચમલ રાજપક્ષે અને નમલ રાજપક્ષેએ પણ રાજીનામું આપ્યું હતું. હવે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાથી રાજપક્ષે પરિવારના શાસનનો અંત આવશે.
રાષ્ટ્રપતિ ભવન છોડીને ભાગ્યા ગોટાબાયા રાજપક્ષે
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરતા, સેંકડો વિરોધીઓએ શનિવારે રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કર્યો. વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી જતાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિએ તેમનું નિવાસસ્થાન છોડીને ભાગવું પડ્યું હતું.
12 કે 13 જુલાઈએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાજીનામુ આપશે
મળતી માહિતી મુજબ આગામી 12 કે 13 જુલાઈના દિવસે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાજીનામુ આપશે અને આ સાથે જ શ્રીલંકામાં રાજપક્ષે શાસનનો અંત આવશે.
રાષ્ટ્રપતિ ગોટાબાયાના રાજીનામાં પછી શું થશે?
શ્રીલંકામાં પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધનના ઘરે પાર્ટીના નેતાઓની ઇમર્જન્સી બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સ્પીકરે આગામી 30 દિવસ સુધી રાષ્ટ્રપતિનું પદ સંભાળવું પડશે.કાર્યકારી રાષ્ટ્રપતિની નિમણૂક મહત્તમ 30 દિવસ માટે કરવામાં આવશે.
બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે તે પછી રાષ્ટ્રપતિના બાકી રહેલા કાર્યકાળ માટે સંસદમાં સાંસદની પસંદગી કરવામાં આવશે.
આ બેઠકમાં એ વાત પર સહમતિ સધાઈ હતી કે વહેલામાં વહેલી તકે વચગાળાની સર્વપક્ષીય સરકારની રચના થવી જોઈએ અને ટૂંક સમયમાં ચૂંટણી યોજવી જોઈએ.
બેઠકમાં શ્રીલંકાના સંકટને દૂર કરવા માટે આગામી થોડા દિવસોમાં સર્વપક્ષીય વચગાળાની સરકારની નિમણૂક પર ભાર મૂકવામાં આવ્યો હતો.