Sudan Civil War: સુદાનમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. દેશ પર નિયંત્રણ મેળવવા માટે સુદાનની સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે લોહિયાળ સંઘર્ષ અટકી રહ્યો નથી. આવી સ્થિતિમાં સુદાનના સામાન્ય લોકો ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યા છે. દરમિયાન રાજધાની ખાર્તુમમાં રવિવારે થયેલા ડ્રોન હુમલાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો.                           

  


ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ ખાર્તુમના એક બજાર પર થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હતા. આ સાથે આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે ડ્રોન હુમલાને કારણે 36થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે બશીર યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર રવિવારના ડ્રોન હુમલા પાછળ કોણ જવાબદાર છે તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ આ હવાઈ હુમલા બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. નોંધનીય છે કે સુદાનમાં 5 એપ્રિલથી શરૂ થયેલા ગૃહયુદ્ધ બાદ નાગરિકોના મોતનો આ સૌથી મોટો આંકડો છે.            


હુમલો આરએસએફના કબજા હેઠળના વિસ્તારમાં થયો


દક્ષિણ ખાર્તુમ ઇમરજન્સી રૂમ તરીકે ઓળખાતા સ્થાનિક સ્વયંસેવકોના જૂથ દ્વારા શેર કરાયેલ ફોટામાં ઘણી સ્ત્રીઓ અને પુરુષો ઘાયલ અને કપડાંમાં ઢંકાયેલા મૃતદેહો દર્શાવવામાં આવ્યા હતા. ધ ગાર્ડિયને પોતાના અહેવાલમાં રોયટર્સને ટાંકીને લખ્યું છે કે જે વિસ્તારમાં હવાઈ હુમલા થયા તે દેખીતી રીતે આરએસએફના નિયંત્રણમાં છે.                              


સુદાનની આર્મી પર RSFએ લગાવ્યો આરોપ


રિપોર્ટ અનુસાર, આ ઘટના બાદ RSFએ એક નિવેદનમાં સુદાનની સેના પર હુમલાનો આરોપ લગાવ્યો છે. જો કે, સુદાનની સેનાએ ઇનકાર કર્યો હતો અને આરએસએફને દોષી ઠેરવ્યો હતો. બ્રિગેડિયર જનરલ નબિલ અબ્દુલ્લાએ રોયટર્સને જણાવ્યું હતું કે અમારો હેતુ માત્ર દુશ્મન જૂથો અને અલગ-અલગ વિસ્તારોમાં સ્ટેશનો પર હુમલો કરવાનો છે.


ઓગસ્ટના યુએનના આંકડા અનુસાર સેના અને આરએસએફ વચ્ચેના સંઘર્ષમાં 4,000 થી વધુ લોકોના મોત થયા છે. હિંસાને કારણે લગભગ 71 લાખ લોકોએ પોતાનું ઘર છોડી દીધું છે, જ્યારે 11 લાખ લોકોએ વિદેશમાં આશરો લીધો છે.