ન્યૂયોર્કઃ અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીને આડે ગણતરીના દિવસો છે ત્યારે ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પનું ચીનની એક બૅન્કમાં એકાઉન્ટ હોવાની વિગતો સામે આવી છે. આ બૅન્ક ખાતાની દેખરેખ ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટલ્સ મૅનેજમેન્ટ કરે છે અને વર્ષ 2013થી 2015 સુધી આ બૅન્ક ખાતા દ્વારા સ્થાનિક કરની ચૂકવણી કરવામાં આવી છે.


ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તા મુજબ એશિયામાં હોટલઉદ્યોગને લગતી સંભાવનાઓ તપાસવા માટે આ ખાતું ખોલવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનમાં વેપાર કરનારી અમેરિકન કંપનીઓની ટીકા કરતા રહ્યા છે અને એમણે ચીન સામે વેપારયુદ્ધ છેડ્યું છે.

ટ્રમ્પે દાયકાઓ સુધી ચીનમાં વેપાર કરવા માટે મથામણ કરી હતી. પરંતુ સફળતા મળી ન હતી. પરિણામે આજે ટ્રમ્પ ચીન વિરોધી બની ગયા છે. સવાર-સાંજ ચીનની ટીકા કરતા રહે છે અને ચીન સાથે ટ્રેડ વોર પણ આરંભી દીધું છે. ચીન સાથે વેપાર કરનારી અમેરિકી કંપનીઓ પણ ટ્રમ્પની ટીકાનો ભોગ બનતી રહે છે.

ટ્રમ્પના પ્રવક્તાએ કહ્યું હતું કે ચીનમાં ખાતુ ખોલ્યા પછી તેનો કોઈ લેવડ-દેવડ માટે ઉપયોગ થયો નથી. પરંતુ ભવિષ્યમાં વેપારની તકો વિસ્તરે એ હેતુથી ખાતું ખુલ્લું રાખવામાં આવ્યું હતું. ૨૦૧૨માં ટ્રમ્પે પોતાના આંતરરાષ્ટ્રીય હોટેલ બિઝનેસ અને અન્ય વેપારના વિસ્તરણ હેતુથી ચીનમાં ઓફિસ ખોલી હતી. ચીનમાં પોતાની હાજરી મજબૂત બને એટલા માટે પાંચ નાની કંપનીઓમાં ૧.૯૨ લાખ ડૉલરનું રોકાણ પણ ત્યાં કર્યું હતું. પરંતુ વેપારમાં મેળ પડયો ન હતો.

ચૂંટણીને હવે પંદર દિવસની પણ વાર નથી ત્યારે સામે આવેલી આ વિગતો મતદાતાઓ પર અસર કરશે એ અમેરિકામાં ચર્ચાનો વિષય બન્યો છે.