નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરવા પર કોઇ દેશને છૂટ નહી આપવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાના આ નિર્ણયથી સૌથી વધુ અસર ભારત અને ચીન પર પડશે. જોકે, ભારત સરકાર ઇરાન પાસેથી તેલ આયાતની છૂટ બંધ કરવાના અમેરિકાના નિર્ણયની અસરોનો અભ્યાસ કરી રહી છે. વ્હાઇટ હાઉસ દ્ધારા 2,મે બાદ ઇરાનથી તેલ આયાત કરનારા ભારત સહિત અન્ય દેશો પર અમેરિકી પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે.
અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોની જાહેરાત સાથે હવે સ્પષ્ટ થઇ ગયું છે કે જે દેશ ઇરાન પાસેથી તેલ આયાત પુરી રીતે બંધ કરશે નહીં તેને અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવો પડશે. આ અગાઉ અમેરિકન વિદેશ મંત્રાલયના અધિકારીઓએ વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે, અમેરિકા 2 મે બાદ કોઇ પણ દેશને ઇરાન પાસેથી દેશ આયાત કરવાની કોઇ છૂટ આપશે નહીં.
વાસ્તવમાં ગયા વર્ષે નવેમ્બરમાં અમેરિકાએ આઠ દેશોને ઇરાન પાસેથી તેલ આયાતના બદલામાં અન્ય વિકલ્પ શોધવા માટે 180 દિવસોની છૂટ આપી હતી. જે 2 મેના રોજ પુરી થઇ રહી છે. આ આઠ દેશોમાં ત્રણ દેશ યુનાન, ઇટાલી અને તાઇવાને અગાઉથી જ ઇરાન પાસેથી તેલ આયાત ઘટાડીને શૂન્ય કરી દીધી છે. અન્ય પાંચ દેશોમાં ભારત, ચીન, તુર્કી, જાપાન અને દક્ષિણ કોરિયામાં સામેલ છે જેને હવે ઇરાન પાસેથી તેલ આયાત બંધ કરવું પડશે અથવા અમેરિકાના પ્રતિબંધનનો સામનો કરવો પડશે.