નવી દિલ્હીઃ હાઇકોર્ટ ઓફ ઇગ્લેન્ડ એન્ડ વેલ્સે બુધવારે હૈદરાબાદ ખજાના પર એક મહત્વપૂર્ણ ચુકાદો ભારતના પક્ષમાં આપ્યો છે. યુકે કોર્ટે પાકિસ્તાનના દાવાને ફગાવી દીધો હતો. ત્યારબાદ હવે ભારતને 306 કરોડ રૂપિયા મળશે.


વાસ્તવમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્રિટનના એક બેન્કમાં જમા નિઝામ હૈદરાબાદના ખજાનો એટલે કે 3 અબજથી વધુ રૂપિયાને લઇને ચાલી રહેલી દાયકાઓ જૂની લડાઇ પર યુકે કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. દેશના ભાગલા બાદ નિઝામ હૈદરાબાદે લંડન સ્થિત નેટવેસ્ટ બેન્કમાં 1,007,940 પાઉન્ડ એટલે કે લગભગ 8 કરોડ 87 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા જે હવે વધીને 35 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 3 અબજ 8 કરોડ 40 લાખ રૂપિયા થઇ ચૂક્યા છે. આ રકમ પર બંન્ને દેશ પોતાનો હક વ્યક્ત કરી રહ્યા હતા.

આ રૂપિયાના માલિકાના હકને લઇને પાકિસ્તાન વિરુદ્ધ ચાલી રહેલી આ કાયદાકીય લડાઇમાં નિઝામના વંશજ પ્રિન્સ મુકર્રમ જાહ અને તેમના નાના ભાઇ મુફ્ફખમ જાહ ભારત સરકારની સાથે છે. હૈદરાબાદના તત્કાલિન નિઝામે 1948માં બ્રિટનમાં પાકિસ્તાન હાઇકમિશનરને આ રકમ મોકલી હતી.