Russia-Ukraine War: યુક્રેન પર રશિયાના હુમલાનો આજે ચોથો દિવસ છે. ગુરુવારે શરૂ થયેલું આ યુદ્ધ સતત ચાલુ છે. રશિયાની સેનાએ દાવો કર્યો છે કે, તે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સકીએ કહ્યું છે કે, તેમના દેશ પર આક્રમણ કરવાને કારણે રશિયાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માંથી હાંકી કાઢવું જોઈએ.


ઝેલેન્સકીએ રવિવારે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, યુક્રેન પર રશિયાએ કરેલું આક્રમણ એ નરસંહાર તરફનું પગલું છે. "રશિયાએ બુરાઈનો માર્ગ પસંદ કર્યો છે અને વિશ્વએ તેને યુએન સુરક્ષા પરિષદમાંથી બહાર કરી દેવું જોઈએ"


UNSCમાં રશિયાનું કદઃ


રશિયા UNSC સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંનો એક દેશ છે, જેના કારણે તેની પાસે ઠરાવોને વીટો કરવાની સત્તા છે. એટલે કે રશિયા સામે UNSCમાં કોઈ પણ ઠરાવ મુકવામાં આવે તેને રશિયા રદ કરી શકે છે. જેથી રશિયા સામે કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, ઇન્ટરનેશનલ વોર ક્રાઇમ ટ્રિબ્યુનલે યુક્રેનિયન શહેરો પર રશિયાના હુમલાની તપાસ કરવી જોઈએ. તેમણે રશિયન આક્રમણને "રાજ્ય પ્રાયોજિત આતંકવાદ" ગણાવ્યું હતું.


રશિયાએ કરેલા દાવાઓને ઝેલેન્સકીએ નકારી કાઢ્યા છે. રશિયાએ દાવો કર્યો હતો કે, તે રહેણાંક વિસ્તારોને નિશાન નથી બનાવી રહ્યું. હકીકતમાં, યુક્રેનમાં શનિવારે એક બહુમાળી ઈમારત પર મોટો હુમલો થયો હતો, જેમાં ઈમારતને ભારે નુકસાન થયું હતું. યુક્રેને દાવો કર્યો હતો કે, રશિયા રહેણાંક વિસ્તારોમાં બોમ્બમારો કરી રહ્યું છે, જો કે રશિયાએ રહેણાંક વિસ્તારો પર હુમલાના આરોપોને નકારી કાઢ્યા હતા.


2 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યુંઃ


સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સીએ કહ્યું કે, યુક્રેનના પડોશી દેશોમાં યુક્રેનના નાગરિકોની સંખ્યા હવે 2 લાખને વટાવી ગઈ છે. શરણાર્થીઓ માટેના UN હાઈ કમિશનરે ટ્વિટ કર્યું હતું કે, રશિયન સેનાના આક્રમણથી દેશ છોડીને જઈ રહેલા લોકોની સંખ્યા સતત બદલાઈ રહી છે. આ અંગેની અપડેટ માહિતી રવિવારે જાહેર કરવામાં આવશે. એજન્સીએ શનિવારે અંદાજ લગાવ્યો હતો કે, ઓછામાં ઓછા 150,000 યુક્રેનિયનો પોલેન્ડ, હંગેરી અને રોમાનિયા સહિત અન્ય દેશોમાં ભાગી ગયા છે.