US On India Religious Freedom : અમેરિકાએ ફરી એકવાર ભારતમાં ધાર્મિક ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો છે. અમેરિકાએ ભારતને ધમકી આપવાનો પણ પ્રયાસ કર્યો છે. સાથે જ અમેરિકાએ ભારતની સરખામણી અફઘાનિસ્તાન-સીરિયા સાથે કરી નાખી હતી. યુએસ કમિશન ફોર ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)ના વડા રબ્બી અબ્રાહમ કૂપરે દાવો કર્યો હતો કે, વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં ધાર્મિક ભેદભાવ 'ભયાનક' સ્તરે પહોંચી ગયો છે.
રબ્બી અબ્રાહમ કૂપરે ધમકીભર્યા અંદાજમાં ત્યાં સુધી કહી દીધું હતું કે, જો ભારતની સ્થિતિ નહીં સુધરે તો તેણે અમેરિકી સરકારના પ્રતિબંધો માટે તૈયાર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન પણ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતમાં ધાર્મિક અસષ્ણુતાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
અમેરિકન કમિશન (USCIRF)ના વડાએ કહ્યું હતું કે, ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ વધી રહ્યો છે. આ સ્થિતિમાં ભારતે પોતાનો માર્ગ બદલવો પડશે. અગાઉ ભારતે આ ક્ષેત્રમાં વધુ સારું કામ કર્યું હતું, પરંતુ હવે ભારતમાં એવું નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતમાં ધાર્મિક ભેદભાવથી પીડિત લોકોની સંખ્યા વધી રહી છે, જે ભયજનક છે. બોલતી વખતે રબ્બી અબ્રાહમ કૂપરે ભારતની તુલના અફઘાનિસ્તાન અને સીરિયા જેવા દેશો સાથે કરી નાખી હતી.
ભારતને લઈ અમેરિકા ભારે ચિંતાતુર
રબ્બી અબ્રાહમ કૂપરે મંગળવારે અમેરિકી સાંસદોને સંબોધતા કહ્યું હતું કે, ધાર્મિક ભેદભાવ રાષ્ટ્રીય ગૌરવનો વિષય ન હોવો જોઈએ. આ દરમિયાન તેમણે ભલામણ કરી હતી કે, ભારત, અફઘાનિસ્તાન, સીરિયા, નાઈજીરિયા અને વિયેતનામ જેવા દેશોને અમેરિકી સરકારે વિશેષ ચિંતાવાળા દેશોની યાદીમાં મુકવા જોઈએ.
અમેરિકાએ ભારતને ધમકી આપતા કહ્યું કે...
યુએસ કમિશનના વડાએ ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનમાં કથિત રીતે સામેલ ભારતીય એજન્સીઓ અને અધિકારીઓ સામે આર્થિક અને મુસાફરી પ્રતિબંધોની ભલામણ કરી હતી. નોંધનીય છે કે, તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે અમેરિકી સંસદને પણ સંબોધન કર્યું હતું. જો કે આ દરમિયાન પણ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
ઓબામાએ શું કહ્યું હતું?
સીએનએનને આપેલા એક ઈન્ટરવ્યુમાં બરાક ઓબામાએ કહ્યું હતું કે, જો હું વડાપ્રધાન મોદી સાથે વાત કરત, જેમને હું સારી રીતે ઓળખું છુ, તો હું તેમને કહીશ કે જો તેઓ ભારતમાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ નહીં કરે તો એવી શક્યતા છે કે કેટલાક બિંદુ પર આવીને ભારત તૂટી શકે છે. આટલેથી પણ ન અટકતા ઓબામાએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બાઈડેને પીએમ મોદી સાથેની મુલાકાતમાં ભારતમાં મુસ્લિમ લઘુમતીઓની સુરક્ષા અંગે વાત કરવી જોઈએ. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે, પોતાના સાથીદારો સાથે માનવાધિકાર વિશે વાત કરવી થોડી મુશ્કેલ છે.
ઓબામાએ આગળ કહ્યું હતું કે, અમે જોયું છે કે જ્યારે આંતરિક સંઘર્ષ વધે છે ત્યારે તે ન તો ભારતના મુસ્લિમોના હિતમાં હોય છે અને ન તો ભારતના હિંદુઓના હિતમાં હોય છે. મને લાગે છે કે, આ બાબતો વિશે પ્રામાણિકપણે વાત કરવી જોઈએ.