USA Immigration Services:જો તમે અમેરિકા જવા માંગો છો અને તેના માટે વિઝાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા ચહેરા પર સ્મિત લાવી શકે છે. અમેરિકાએ તાજેતરમાં ભારતીય ઈમિગ્રન્ટ્સને ધ્યાનમાં રાખીને ઈમિગ્રેશન સર્વિસિસ એટલે કે ઈમિગ્રેશન પ્રક્રિયામાં કેટલાક ફેરફારો કર્યા છે, જે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજારો ભારતીયોને રાહત આપશે.
અમેરિકાએ જાહેરાત કરી છે કે, તે કેટલીક બિન-ઇમિગ્રન્ટ કેટેગરીઓને (ગ્રીન કાર્ડની રાહ જોતા લોકો સહિત) પાંચ વર્ષ માટે રોજગાર અધિકૃતતા કાર્ડ પ્રદાન કરશે, જે ત્યાં રહેતા લોકોને સુવિધા પૂરી પાડશે. ભારતથી અમેરિકા જવું એ ઘણા એન્જિનિયરોનું સ્વપ્ન છે. ભારતથી અમેરિકા જવા માટે તેમને ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને ઘણા નિયમોનું પણ પાલન કરવું પડે છે.
આ નિયમથી શું ફેરફારો થશે?
એકવાર તમને અમેરિકન કંપનીઓ તરફથી જોબ માટે ઑફર લેટર મળી જાય તો સૌથી મોટી પ્રક્રિયા ગ્રીન કાર્ડ મેળવવાની હોય છે. આ પ્રક્રિયામાં લોકોએ ઘણી બધી કસોટીઓ અને ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડે છે. અત્યાર સુધી અમેરિકા માત્ર ત્રણ વર્ષ માટે જ આવા વિઝા આપતું હતું જે ત્રણ વર્ષ પછી રિન્યુ કરાવવાના હતા, પરંતુ હવે આ નિયમો બદલાયા છે.
યુ.એસ.એ તેની સંખ્યા વધારી છે અને કહ્યું છે કે હવે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સુવિધા પાંચ વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. આ પ્રક્રિયાની પ્રગતિ અમેરિકાના આ વિભાગને પણ અસર કરશે. તેમને દર મહિને લાખો અરજીઓ મળે છે અને તેનો નિકાલ કરવામાં ઘણો સમય લાગે છે. એક રિપોર્ટ અનુસાર, આ નિયમ લાગુ થવાથી તેમના કામ પરનો બોજ 20 ટકા ઓછો થઈ જશે.
ગ્રીન કાર્ડ શું છે?
ગ્રીન કાર્ડ યુએસ સરકારનું સત્તાવાર નિવાસી કાર્ડ છે. અમેરિકા વિશ્વના ઘણા દેશોને કામચલાઉ ઇમિગ્રન્ટ કાર્ડ ઇસ્યૂ કરે છે. આ કાર્ડ દ્વારા તમે ઘણા વર્ષો સુધી અમેરિકામાં રહી શકો છો. ભારતથી અમેરિકા આ કાર્ડ મેળવવા માટે 11 લાખ લોકોએ અરજી કરી છે.