નવી દિલ્હીઃ અમેરિકન સરકારના અધિકારીઓ, સંરક્ષણ અને વિદેશી મામલાના નિષ્ણાંતોનું માનવું છે કે ભારત-અમેરિકા વચ્ચે દ્ધિપક્ષીય સંબંધોમાં આવેલા તણાવ બાદ હવે અમેરિકા ભારતને રશિયા સાથે એર મિસાઇલ સિસ્ટમ એસ-400 ડીલમાં છૂટ આપી શકે છે. અમેરિકાએ આ ડીલનો વિરોધ કર્યો હતો. અમેરિકન નિષ્ણાંતોના મતે ભારત પર પ્રતિબંધોને લઇને અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેવાનો છે. આ ડીલ બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત CAATSA પ્રતિબંધો પર તેમના નિર્ણયથી અવગત થશે.


તાજેતરમાં ભારતના પ્રવાસે આવેલા અમેરિકન સંરક્ષણ મંત્રી જિમ મૈટિસ અને વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ CAATSA હેઠળ ભારતને રાષ્ટ્રીય સુરક્ષાના આધાર પર પ્રતિબંધોમાં છૂટ આપવાનું સમર્થન કર્યું હતું. કાટ્સા રશિયા પાસેથી હથિયાર અને ઇરાન પાસેથી તેલ આયાત કરતા રોકે છે.

નિષ્ણાંતોનું માનવું છે કે ભારતને તેના બદલામાં અમેરિકા સાથે મોટી સંરક્ષણ ડીલ કરવી પડશે. તે સિવાય રશિયન હથિયારો પરથી પોતાની નિર્ભરતા ઘટાડવી પડશે. અમેરિકન વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારી એલિસ જી વેલ્સે કહ્યું કે, અમેરિકન સરકાર કાટ્સા લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. કોઇ દેશને તેમાં છૂટ નથી. ઓબામા સરકારમા કામ કરી ચૂકેલા જોન હોપકિન્સ યુનિવર્સિટીમાં પ્રોફેસર જોસુઆ ટી વ્હાઇટે કહ્યું કે, અમેરિકા રશિયાને દુનિયા માટે ઘાતક માને છે અને તેની સાથે ભારતની અબજો રૂપિયાની ડિલથી પરેશાન થવું સ્વાભાવિક છે.