વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરજિયાત માસ્ક પહેરવાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યુ હતું. ટ્રમ્પે મંગળવારે N-95 માસ્ક બનાવતી ફેકટરીની મુલાકાત લીધી હતી પરંતુ તેમણે માસ્ક પહેરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

ગાઈડલાઈન પ્રમાણે માસ્ક ફેકટરીમાં હંમેશા માસ્ક પહેરવું જરૂરી છે. માત્ર ટ્રમ્પ જ નહીં પરંતુ માસ્ક બનાવતી હનીવેલ કંપનીના સીઈઓ ડેરિયસ, વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક સહિત બીજા અધિકારીઓએ પણ માસ્ક નહોતું પહેર્યું. જોકે ટ્રમ્પે ચશ્મા પહેરી રાખ્યા હતા.

કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે. એરિઝોના સ્થિત આ માસ્ક ફેક્ટરી શરૂ તયાને આશે એક મહિનો થયો છે. અમેરિકામાં સતત કોરોનાના વધતા મામલાને જોતાં સ્વાસ્થ્ય ઉપકરણની કમી પૂરી કરવા તાજેતરમાં અનેક ફેકટરીઓ શરૂ કરવામાં આવી છે.


રાષ્ટ્રપતિ ટ્રમ્પ આશરે બે મહિના બાદ વ્હાઇટ હાઉસથી બહાર નીકળ્યા હતા. જોકે એરિઝોનોની આ ફેક્ટરીમાંથી પરત ફરતી વખતે તેમણે માસ્ક પહેરી લીધું હતું. ટ્રમ્પ જ્યારે ફેક્ટરીની મુલાકાત કરતા હતા ત્યારે બેકગ્રાઉન્ડમાં જાણીતા બેંડ ગન્સ એન્ડ રોઝેઝનું 'Live and Let Die' ગીત વાગતું હતું. ટ્રમ્પના માસ્ક ન પહેરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

અમેરિકામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 12.30 લાખ પહોંચી છે. જ્યારે 72,023 લોકોના મોત થયા છે અને 1.64 લાખ લોકો સાજા થઈ ગયા છે.