ન્યૂયોર્કઃ શિકાગોમાં આયોજીત બીજા વિશ્વ હિન્દુ સંમેલનના સમાપન ભાષણમાં ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુએ હિન્દુ ધર્મને લઇને ભારતની ક્ષમતાઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, હાલના સમયમાં કેટલાક લોકો હિન્દુ શબ્દને લઇને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને તેને ‘અછૂત’ અને ‘અસહનીય’ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ દરમિયાન નાયડૂએ હિન્દુ ધર્મના સાચા મૂલ્યોની સંરક્ષણ કરવાની જરૂરીયાત પર ભાર મુક્યો જેથી આ પ્રકારની ધારણાઓને બદલી શકાય જે ખોટી જાણકારી પર આધારિત છે. તે સિવાય નાયડૂએ કહ્યું કે, ભારત સાર્વભૌમિક સહનશીલતામાં વિશ્વાસ રાખે છે અને તમામ ધર્મોને સાચા માને છે. નાયડૂએ અફસોસ વ્યક્ત કર્યો હતો કે હિન્દુ ધર્મને લઇને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.

સ્વામી વિવેકાનંદના 11 સપ્ટેમ્બર 1893માં ધર્મ સંસદમાં આપેલા ભાષણની 125મી વર્ષગાંઠના અવસર પર વિશ્વ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યકમમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ સામેલ થયા હતા. ભાગવતે કહ્યું હતું કે, હિન્દુ સમાજમાં પ્રતિભાશાળી લોકોની સંખ્યા વધુ છે પરંતુ તેઓ ક્યારેય સાથે નહી આવે. હિન્દુઓનું સાથે આવવું ખૂબ મુશ્કેલ છે.