ન્યૂયોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંરક્ષણ મંત્રી જિમ મૈટિસ સાથેના મતભેદોને કારણે તેમને હટાવવા માંગે છે. ધ વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો હતો. વ્હાઇટ હાઉસના એક અધિકારીને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મૈટિસને હટાવવાની અટકળો અગાઉ કરતા હાલમાં વધુ વાસ્તવિક છે. જાણીતા પત્રકાર બોબ વૂડવર્ડની આગામી પુસ્તક ફિયરઃ ટ્રમ્પ ઇન ધ વ્હાઇટ હાઉસમાં ખુલાસા બાદ આ અટકળોને બળ મળ્યું હતું.
આ રિપોર્ટ્સ બાદ ટ્રમ્પે કહ્યું કે મૈટિસ સારુ કામ કરી રહ્યા છે. મૈટિસ પ્રથમ ભારત-અમેરિકાની 2+2 વાર્તામાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી માઇક પોપિયો સાથે ભારત આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે બોબ વૂડવર્ડની નવી પુસ્તકમાં થયેલા ખુલાસા બાદ વ્હાઇટ હાઉસમાં અધિકારીઓ સક્રીય રીતે ચર્ચા કરી રહ્યા છે કે મૈટિસ હટશે ત્યારે તેમનું સ્થાન કોણ લેશે. વૂડવડે દાવો કર્યો હતો કે મૈટિસે પોતાના સાથીઓને કહ્યું છે કે ટ્રમ્પની સમજણ પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ભણતા બાળક જેટલી છે.