Cristina Fernandez de Kirchner: આર્જેન્ટિનાના વાઇસ પ્રેસિડેન્ટ અને ડાબેરી નેતા ક્રિસ્ટિના ફર્નાન્ડીઝ ડી કિર્ચનરને ભ્રષ્ટાચારના કેસમાં 6 વર્ષની જેલ અને જાહેર ઓફિસમાંથી આજીવન પ્રતિબંધની સજા ફટકારવામાં આવી છે. આર્જેન્ટિનાની ફેડરલ અદાલતે તેમને ભ્રષ્ટાચારના એક હાઈ-પ્રોફાઈલ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જોકે ક્રિસ્ટિના ફર્નાન્ડીઝ સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. 


69 વર્ષીય કિર્ચનર પર 2007 અને 2015 ની વચ્ચે પ્રમુખ તરીકેના તેમના બે કાર્યકાળ દરમિયાન તેમના વહીવટીતંત્ર દ્વારા જાહેર કાર્યોના કોન્ટ્રાક્ટ આપવામાં અનિયમિતતાનો આચર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કિર્ચનર પર ગુનાહિત સંગઠન ચલાવવાનો પણ આરોપ હતો, જેને ત્રણ જજની પેનલ દ્વારા બરતરફ કરી દેવામાં આવ્યો હતો.


અહેવાલ મુજબ, આ વર્ષે ઓગસ્ટમાં ફરિયાદી પક્ષે અદાલતને ઉપરાષ્ટ્રપતિને 12 વર્ષની જેલની સજા અને તેમની રાજનીતિ પર આજીવન પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી. કિર્ચનરે આ સજાને ખામીયુક્ત અને પૂર્વયોજિત ગણાવી હતી. ચુકાદા બાદ કિર્ચનરે કહ્યું હતું કે, તે સમાંતર સરકાર અને ન્યાયિક માફિયાનો શિકાર બની છે.


આ બબતને લઈ કિર્ચનરનો વાંધો


ફરિયાદીઓએ આક્ષેપ કર્યો હતો કે, ફર્નાન્ડીઝ ડી કિર્ચનરના એક વેપારી સહયોગીને જાહેર કામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેણે પાછળથી તેને અને તેના સ્વર્ગસ્થ પતિ નેસ્ટર કિર્ચનરને પૈસા પાછા ચૂકવ્યા હતા. નેસ્ટર કિર્ચનર 2003 થી 2007 સુધી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ પણ હતા.


મુખ્ય ફરિયાદીએ કોન્ટ્રાક્ટના વિતરણની કથિત યોજનાને દેશનું સૌથી મોટું ભ્રષ્ટાચાર અભિયાન ગણાવ્યું હતું. કિર્ચનરના સમર્થકોએ કહ્યું હતું કે, આ કેસ રાજકીય અને ન્યાયિક અત્યાચારનું ઉદાહરણ છે. કિર્ચનેરે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, કોર્ટ તેમના માટે ફાયરિંગ સ્ક્વોડ જેવી છે અને ફરિયાદી તેમનું (કિર્ચનર) અપમાન કેવી રીતે કરવું તે અંગે વળગી રહ્યાં હતાં.


આલ્બર્ટો ફર્નાન્ડીઝની મજબૂરી!


રિપોર્ટ પ્રમાણે રાજકીય ધ્રુવીકરણનો ભોગ બનેલું આર્જેન્ટિના ઘણા લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, જ્યાં ફુગાવો 100 ટકા દર તરફ આગળ વધી રહ્યો છે. આ સંજોગોમાં કિર્ચનરની સજાને કારણે તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જે હજી વધુ ભભુકે તેવી આશંકા છે. અહેવાલમાં જણાવાયું છે કે, આ કેસ રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝની સત્તાધારી સરકારને અસર કરશે, જે આગામી વર્ષની સામાન્ય ચૂંટણીઓમાં રૂઢિચુસ્ત વિપક્ષના પડકારને રોકવા માટે ભારે મુકાબલો કરી રહી છે.