Russia Ukrain War: રશિયા યુક્રેન યુદ્ધને 2 વર્ષથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે. ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા આ ભીષણ યુદ્ધે બે સુંદર દેશ યુક્રેન અને રશિયાને ખંડેર બનાવી દીધા છે. આ દરમિયાન હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે તેઓ રશિયા સાથેનું યુદ્ધ સમાપ્ત કરવા માટે ભારતમાં એક શિખર સંમેલન યોજવાનો પ્રસ્તાવ મૂકી રહ્યા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે યુક્રેનની તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીનું લક્ષ્ય નવેમ્બરમાં યોજાનારી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં નેતાઓની બીજી બેઠક યોજવાનું છે. જે જૂનમાં યોજાનાર શિખર સંમેલનમાં થશે, જેમાં રશિયા સાથેના પોતાના અઢી વર્ષના યુદ્ધમાં કીવ માટે દેશો પાસેથી સમર્થન મેળવવાનું છે.
હજુ સુધી બેઠકની યજમાની માટે ભારત સંમત નથી
જોકે, ભારતમાં યોજાનારી આ બેઠક અંગે એક ચિંતા પણ છે કારણ કે તેમાં હજુ સુધી રશિયાને સામેલ કરવામાં આવ્યું નથી. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન મોદી, જેમણે 23 ઓગસ્ટે તેમની મુલાકાત દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સીમાઓની અંદર યુક્રેનની સાર્વભૌમત્વ માટે પોતાના સમર્થનનો સંકેત આપ્યો હતો. જોકે, હજુ સુધી બેઠકની યજમાની માટે સંમત થયા નથી.
કોઈપણ બાબતમાં ટિપ્પણી કરવી ઉતાવળ ગણાશે - ભારતીય વિદેશ મંત્રાલય
યુક્રેનના મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે હંમેશા આ સંઘર્ષનું વાટાઘાટો દ્વારા નિરાકરણ લાવવા માટે તમામ હિતધારકો સાથે રચનાત્મક, ઉકેલલક્ષી અને વ્યવહારુ જોડાણની હિમાયત કરી છે. આ રશિયા અને યુક્રેન બંને માટે ઉચ્ચ સ્તરે અમારા અભિગમથી સ્પષ્ટ છે."
રણધીર જયસ્વાલે કહ્યું કે વડાપ્રધાને પહેલેથી જ શાંતિના હિતમાં રચનાત્મક ભૂમિકા ભજવવાની ભારતની ઇચ્છાનો સંકેત આપ્યો છે. જોકે, આ તબક્કે ચોક્કસ પદ્ધતિઓ અને માર્ગો પર ટિપ્પણી કરવી ઉતાવળ ગણાશે. શાંતિ વાર્તા ક્યારે અને કેવી રીતે શરૂ કરવી તે નિર્ણય સંઘર્ષમાં સામેલ બંને પક્ષોનો વિશેષાધિકાર છે. મિત્ર અને ભાગીદાર તરીકે, અમે કોઈપણ વ્યવહારુ અને પારસ્પરિક રીતે સ્વીકાર્ય ઉકેલ અથવા ફોર્મેટને સમર્થન આપીશું જે શાંતિ પુનઃસ્થાપિત કરી શકે.
આ પણ વાંચોઃ
શેખ હસીનાને પાછા બાંગ્લાદેશ મોકલશે ભારત? વિદેશ મંત્રાલયે કરી દીધું સ્પષ્ટ