નવી દિલ્હીઃ લોકોએ ભવિષ્યમાં પણ કોરોના વાયરસના ખતરા સાથે જીવવું પડશે. આ ચેતવણી લંડનના ઇમ્પેરિયલ કોલેજમાં ગ્લોબલ હેલ્થના પ્રોફેસર અને કોવિડ-19 પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના દૂત ડેવિડ નૈબારોએ  આપી છે. એક રિપોર્ટ અનુસાર, નૈબારોએ કહ્યુ કે, સફળતાપૂર્વક વેક્સીન તૈયાર કરવાની કોઇ ગેરંટી નથી.


ગ્લોબલ હેલ્થના પ્રોફેસરના મતે નવા માહોલમાં લોકોએ સામંજસ્ય સ્થાપિત કરવો પડશે. લોકોએ એમ માનીને ન ચાલવું જોઇએ કે નિશ્વિત રીતે જલદી કોરોનાની વેક્સીન બની જશે. ડેવિડે કહ્યું કે, તમામ વાયરસ વિરુદ્ધ અનિવાર્ય રીતે તમે એક સુરક્ષિત અને પ્રભાવી વેક્સીન બનાવી શકતા નથી. કેટલાક વાયરસની વેક્સીન તૈયાર કરવી ખૂબ મુશ્કેલ હોય છે. એટલા માટે વાયરસના ખતરા વચ્ચે આપણે પોતાની જિંદગી જીવવા માટે નવી રીતો શોધવી પડશે.

તેમણે કહ્યું કે જેનો અર્થ એ છે કે લોકોમાં રોગના લક્ષણ છે તેમને આઇસોલેટ કરવા પડશે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને  પણ આઇસોલેટ કરવા પડશે. વૃદ્ધોની રક્ષા કરવી પડશે. બીમારીની સારવાર કરનારી હોસ્પિટલની ક્ષમતા વધારવી પડશે. ડબલ્યૂએચઓના એક અધિકારીએ કહ્યું કે, એ વાતના પુરાવા નથી કે એકવખત કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ લોકો આ બીમારીથી ઇમ્યૂન થઇ જાય છે. ડબલ્યૂએચઓના ઇમરજન્સી પ્રોગ્રામના એક્ઝીક્યૂટિવ ડિરેક્ટર માઇક રેયાને કહ્યું કે કોઇ પણ વ્યક્તિને એ ખ્યાલ નથી કે જે લોકોના શરીરમાં એન્ટીબોડીઝ છે તે પુરી રીતે બીમારીથી સુરક્ષિત છે.