વિશ્વ આરોગ્ય સંસ્થાએ બુધવારે એમપોક્સ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં વાયરલ ચેપ ફાટી નીકળ્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે જે પડોશી દેશોમાં પણ ફેલાઈ છે. બે વર્ષમાં આ બીજી વખત છે જ્યારે એમપોક્સને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. અગાઉ, આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ એમપોક્સ સંક્રમણને લઇને ખંડમાં હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હતી.






એમપોક્સ કોંગોના પડોશી દેશોમાં પણ ફેલાયો


કોંગોમાં પ્રકોપની શરૂઆત એક સ્થાનિક વેરિઅન્ટથી થઇ હતી જેને ક્લેડ I તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એક નવા વેરિઅન્ટ ક્લેડ આઇબી, જાતીય સંપર્ક સહિત નજીકના સંપર્કથી 'વધુ સરળતાથી' ફેલાય છે.


દવાઓ અને રોગપ્રતિકારક રિસ્પોન્સ બિનઅસરકારક છે


તે કોંગોથી બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડા સહિતના પડોશી દેશોમાં ફેલાઈ ગયો છે, જેના કારણે WHO હવે એક્શનમાં આવ્યું છે. WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે કહ્યું હતું કે 'તે સ્પષ્ટ છે કે આ પ્રકોપને રોકવા અને જીવન બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સામૂહિક પગલાં લેવા પડશે.'


તેમણે એમપોક્સ વાયરસના સતત ફેલાવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે એમપોક્સ વાયરસ એક એવી વસ્તુ છે જેના વિશે આપણે બધાએ ચિંતા કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આફ્રિકા અને તેનાથી આગળ તેના ફેલાવાની સંભાવના ખૂબ જ ચિંતાજનક છે. ટેડ્રોસે જણાવ્યું હતું કે અધિકારીઓ વિવિધ દેશોમાં એમપોક્સના બહુવિધ પ્રકોપનો સામનો કરી રહ્યા છે, જેમાં ટ્રાન્સમિશનના વિવિધ પ્રકારો અને જોખમના વિવિધ સ્તરો છે.


તેમણે બુધવારે જાહેરાત કરી હતી કે WHO એ ઇમરજન્સી ભંડ માટે 1.5 મિલિયન ડોલર રીલિઝ કર્યા છે અને આગામી દિવસોમાં વધુ ભંડોળ આપવાની યોજના છે. વાયરસ સામે લડવા WHO ની યોજના માટે શરૂઆતમાં 15 મિલિયન ડોલરની જરૂર પડશે અને એજન્સીએ દાન માટે દાતાઓને અપીલ કરવાની યોજના વિચારી રહી છે.


આફ્રિકામાં 2024માં 17000 કેસ જોવા મળ્યા


આ અઠવાડિયાની શરૂઆતમાં આફ્રિકાની ટોચની જાહેર આરોગ્ય સંસ્થાએ ચેતવણીઓને પગલે એમપોક્સને ખંડ માટે ઇમરજન્સી જાહેર કરી હતી. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે ચેપ 'ચિંતાજનક દરે' ફેલાઈ રહ્યો છે.


આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં આફ્રિકન ખંડમાં 17,000 થી વધુ શંકાસ્પદ એમપોક્સ કેસ અને 517 મૃત્યુ નોંધાયા છે જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં કેસોમાં 160 ટકા વધારો છે. કુલ 13 દેશોમાં કેસ નોંધાયા છે.


2022માં પણ આ વાયરસ ફેલાઈ ગયો હતો


એમપોક્સ વાયરસનો એક પ્રકાર - ક્લેડ IIB - 2022 માં વિશ્વભરમાં ફેલાયો હતો. ત્યારે પણ WHO એ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હતી જે લગભગ 10 મહિના પછી સમાપ્ત થઈ હતી.