Israel Hamas War: 7 ઓક્ટોબર, 2023થી શરૂ થયેલો ખુન ખરાબાના સિલસિલો ઇઝરાયેલે હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયાને મારીને પુરો કર્યો છે. નવાઈની વાત એ છે કે ઈઝરાયેલે ગાઝા, પેલેસ્ટાઈન કે કતારમાં નહીં પરંતુ ઈરાનની રાજધાની તેહરાનમાં જઇને ઇસ્માઇલ હાનિયાની હત્યા કરી છે. હમાસે ખુદ એક નિવેદન જાહેર કરીને તેના ચીફના મૃત્યુની પુષ્ટિ કરી છે.
ઉલ્લેખનીય છે કે, હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાએ મંગળવારે (30 જુલાઈ) ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાદુલ્લા અલી ખમેની સાથે મુલાકાત કરી હતી. બીજા જ દિવસે એટલે કે વહેલી સવારે ઇઝરાયલે તે ઘરને ઉડાવી દીધું જેમાં ઇસ્માઇલ હાનિયો રોકાયો હતો.
દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ હત્યામાં ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ સામેલ છે. જો કે ઈઝરાયેલ તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ મોસાદ પર અગાઉ ઈરાનમાં અનેક હાઈપ્રૉફાઈલ હત્યાની ઘટનાઓને અંજામ આપવાનો આરોપ છે. અહીં આપણએ જાણીએ શું છે મોસાદ ને કઇ રીતે કરે છે કામ ?
શું છે મોસાદ અને કઇ રીતે કરે છે કામ ?
મોસાદની રચના 13 ડિસેમ્બર 1949ના રોજ થઈ હતી, જેને વિશ્વની બીજી સૌથી મોટી જાસૂસી સંસ્થા માનવામાં આવે છે. આ એજન્સીમાં સાત હજારથી વધુ લોકો કામ કરે છે. સીરિયા અને ઈરાન જેવા દુશ્મન દેશોમાં પણ તેનું મજબૂત નેટવર્ક છે.
હિબ્રુમાં મોસાદનું આખું નામ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટેલિજન્સ એન્ડ સ્પેશિયલ ઓપરેશન્સ છે. મોસાદે એવા કેટલાક ખતરનાક ઓપરેશન હાથ ધર્યા છે જેને સૌથી ખતરનાક માનવામાં આવે છે. ચાલો મોસાદના કેટલાક ઓપરેશનો પર એક નજર કરીએ.
ઓપરેશન થંડરબોલ્ટ-
27 જૂન, 1976ના રોજ ઇઝરાયલી મુસાફરોથી ભરેલા ફ્રેન્ચ પેસેન્જર પ્લેનને આરબ આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરવામાં આવ્યું હતું. આ પછી મોસાદે પોતાની તાકાત અને બુદ્ધિમત્તાથી હજારો કિલોમીટર દૂર સ્થિત દેશ યુગાન્ડામાંથી 94 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ઈઝરાયેલના વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ભાઈ જૉનાથન નેતન્યાહૂએ પણ આ ઓપરેશનમાં ભાગ લીધો હતો. જોકે, ઓપરેશન દરમિયાન ગોળી વાગવાથી તેમનું મોત થયું હતું.
રશિયન મિગ-21 ફાઇટર પ્લેનને ચોર્યુ-
મિગ-21 60ના દાયકામાં વિશ્વનું સૌથી ઝડપી ઉડતું ફાઇટર પ્લેન હતું. આ પ્લેન એટલું ઝડપી હતું કે અમેરિકા પણ તેનાથી ડરી ગયું હતું. આવી સ્થિતિમાં અમેરિકાએ આ એરક્રાફ્ટની ટેક્નોલોજી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો અને તેને બહાર લાવવાનું કામ મોસાદને સોંપ્યું હતુ. પ્રથમ પ્રયાસ મોસાદ પકડાઇ ગયુ, અને તેના એક એજન્ટને ડિસેમ્બર 1962 માં ઇજિપ્તમાં ફાંસી આપવામાં આવી હતી. આ પછી મોસાદે બીજો પ્રયાસ કર્યો હતો, આ પ્રયાસ પણ સફળ થયો નહીં. ત્યારપછી વર્ષ 1964માં મોસાદની એક મહિલા એજન્ટે એક ઈરાકી પાઈલટને આ પ્લેન ઈઝરાયલ લાવવા માટે સમજાવી લીધો અને આ રીતે મોસાદ રશિયન પ્લેન ચોરવામાં સફળ રહ્યું હતું.
ઓલિમ્પિકમાં ઈઝરાયેલની ટીમના હત્યારાઓની હત્યા-
મોસાદે 1972માં મ્યૂનિખ ઓલિમ્પિકમાં ઈઝરાયેલ ટીમના 11 ખેલાડીઓના હત્યારાઓને અલગ-અલગ ઘણા દેશોમાં માર્યા હતા. એવું કહેવાય છે કે મોસાદે તમામ 11 આતંકવાદીઓને 11-11 ગોળીઓ મારી હતી.
યાસિર અરાફાતના નજીકના સહયોગીની હત્યા-
મોસાદે પેલેસ્ટાઈનના ફેમસ લીડર યાસિર અરાફાતના જમણા હાથ કહેવાતા ખલીલ અલ વઝીરને ટ્યૂનિશિયામાં તેના પરિવારની સામે 70 ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તે સમયે ટ્યૂનિશિયાના આકાશમાં ઉડતા ઈઝરાયેલના વિમાનોએ તમામ કૉમ્યૂનિકેશન સિસ્ટમને બ્લૉક કરી દીધી હતી. આખી દુનિયામાં તેની ચર્ચા થઈ હતી.
એડોલ્ફ એકમેનને કર્યો કિડનેપ-
11 મે, 1960ના રોજ નાઝી વૉર ક્રિમિનલ એડોલ્ફ એકમેનનું આર્જેન્ટીનામાંથી કિડનેપ કરીને દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. આ મિશન એટલું સિક્રેટ હતું કે આર્જેન્ટિનાને તેની જાણ ત્યારે જ થઈ જ્યારે ખુદ ઈઝરાયેલે તેની જાહેરાત કરી.