નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ મંગળવારે એક મોબાઈલ એપ્લિકેશન ‘Quit Tobacco App’ લોન્ચ કરી છે જેનો હેતુ લોકોને તમાકુનું વ્યસન છોડવામાં મદદ કરવાનો છે. એપ લોન્ચ કરતી વખતે ઓર્ગેનાઈઝેશન ફોર સાઉથ-ઈસ્ટ એશિયાના ડાયરેક્ટર ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું હતું કે તમાકુ દરેક સ્વરૂપમાં ઘાતક છે અને આ એપમાં કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે જે તમાકુને છોડવા માંગતા લોકોને મદદ કરશે.
તેમણે વધુમાં કહ્યું કે આ એપની મદદથી તમાકુનું સેવન કરતા લોકોને જાણકારી મળશે કે તમાકુ કેટલું જોખમી છે. એવા અનેક લોકો છે જે તમાકુ છોડવા માંગે છે પરંતુ તેમ કરી શકતા નથી. આવી સ્થિતિમાં આ એપ તેમના માટે મદદરૂપ સાબિત થશે.
દર વર્ષે લગભગ 80 લાખ લોકો મૃત્યુ પામે છે
ડબલ્યૂએચઓ દ્દારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રથમ એપ છે જે યુઝર્સને પોતાના લક્ષ્યો નક્કી કરવા, તમાકુની તડપને નિયંત્રિત કરવા અને તમાકુ છોડવાના તેમના નિર્ણયનું પાલન કરતા શીખવે છે. આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, એક અંદાજ મુજબ, તમાકુ વિશ્વમાં મૃત્યુ પાછળનું સૌથી મોટું કારણ છે. આ પ્રકારના મોતને ઇચ્છીએ તો રોકી શકાય છે. તમાકુના કારણે વિશ્વમાં દર વર્ષે લગભગ 80 લાખ લોકો મૃત્યુ પામે છે.
તમાકુના કારણે દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં 1.6 મિલિયન લોકો મોતને ભેટ્યા છે. અહીં માત્ર તમાકુનું જ મોટા પ્રમાણમાં સેવન થતું નથી પરંતુ તે તેનો સૌથી મોટો ઉત્પાદક પણ છે. તમાકુના ઉપયોગ બિન-ચેપી રોગો અથવા બિન-સંચારી રોગો જેમ કે કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ, ફેફસાના કોઈપણ ક્રોનિક રોગ માટેનું મુખ્ય જોખમી પરિબળ છે. કોરોનાના સમયમાં તમાકુનું સેવન કરનારા સંક્રમિતોની સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા પણ છે.
ડબલ્યૂએચઓ ગ્લોબલ રિપોર્ટ ઓન ટ્રેડ્સ ઇન ટ્રેન્ડ્સ ઓફ ટોબેકો યુઝ 2000-2025 (ચોથી આવૃતિ,2021) અનુસાર ડબલ્યૂએચઓ દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં તમાકુના ઉપયોગમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે પરંતુ સૌથી વધુ 432 મિલિયન તમાકુનું સેવન કરનારાઓ અથવા 29 ટકા લોકોએ તમાકુનું સેવન કરવાનું ચાલુ રાખ્યું હતું. આ પ્રદેશમાં વૈશ્વિક સ્તરે 355 મિલિયનમાંથી 266 મિલિયન સ્મોકલેસ તમાકુનું સેવન કરે છે. ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સ/ઈ-સિગારેટ, શીશા/હુક્કા જેવા નવા અને ઉભરતા ઉત્પાદનોનો વધતો ઉપયોગ તમાકુ નિયંત્રણ માટે વધારાના પડકારો છે.