ઈસ્લામાબાદ: Tiktok પર ફોલોઅર્સ વધારવા માટે યૂઝર્સ અવનવા પેતરા કરતા હોય છે. એવી રીતે પાકિસ્તાનમાં એક મહિલાએ Tiktok પર ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં પોતાના ટિકટોક સ્ટાર પતિ આદિલ રાજપૂતના મોતનો ખોટો વીડિયો બનાવી શેર કરી દીધો હતો અને લોકો શોક મનાવવા તેના ઘરે પણ પહોંચી ગયા હતા. આદિલ તેના વિડિયોના કારણે Tiktok પર ફેમસ છે અને તેના લગભગ 26 લાખ ફોલોઅર્સ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર , પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહીમ યાર ખાન શહેરના રશીદાબાદમાં રહેતી મહિલા ટિક ટોકર આદિલ રાજપૂતની પત્નીએ વીડિયોમાં રડવાનું નાટક કર્યું હતું અને જણાવ્યું કે, તેના પતિએ દુનિયાને અલવિદા કહી દીધું છે.

મહિલાએ રડતાં રડતાં એક વિડિયો શેર કર્યો, જેમાં કહ્યું હતું કે આદિલનું કાર એક્સિડેન્ટમાં મોત થયું છે. થોડીક જ વારમાં વીડિયો વાયરલ થતા આદિલના ચાહકો અને સંબંધીઓ તેમના ઘરની બહાર ભેગા થઈ ગયા હતા.



ઘરની બહાર એકઠા થયેલા લોકોમાંથી કોઈએ મસ્જિદથી આદિલના મોતના સમાચાર પણ જાહેર કરાવી દીધાં. જો કે, લોકોને વાસ્તવિક્તા ખબર પડી કે આદિલના મોતના સમાચાર ખોટો છે, ત્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ મહિલા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે. મીડિયા અહેવાલ અનુસાર આદિલનાં પત્નીનું નામ અલગ અલગ જણાવવામાં આવી રહ્યું છે.