ન્યૂજર્સીના રૉબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું, જાણો ખાસિયત - Photos
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અનુસાર નિર્મિત આ અક્ષરધામ સનાતન હિન્દુ ધર્મના શાંતિ, સંવાદિતા અને એકતાના વૈશ્વિક મૂલ્યોને ઉજાગર કરતું, સાંસ્કૃતિક અભિવ્યક્તિ, કલા, સ્થાપત્ય અને શિક્ષણનું બેજોડ સ્થાન બની રહેશે. હજારો હરિભક્તોએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને તેઓના 90 માં જન્મદિને ભક્તિઅર્ધ્ય અર્પણ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પ્રાણપ્રતિષ્ઠા બાદ આશીર્વચનમાં જણાવ્યું, “અહીં આવનાર સૌ કોઈ, તેમના જીવનમાં પરમ શાંતિ અને પરમ આનંદનો અનુભવ કરે તેવી પ્રાર્થના.”
આ અક્ષરધામનું સર્જન 2011 માં શરૂ થયું હતું. ભગવાન સ્વામિનારાયણને અંજલિરૂપ આ અક્ષરધામ સનાતન હિન્દુ ધર્મના વિવિધ પૂજનીય સ્વરૂપોની પ્રતિષ્ઠા સાથે કુલ 13 ગર્ભગૃહ ધરાવે છે.
ઇટાલી, ગ્રીસ, તુર્કી, બલ્ગેરિયા, ભારત અને અન્ય દેશોના પત્થરોમાંથી લાવીને ભારતમાં સેંકડો કુશળ કારીગરો દ્વારા જટિલ-બારીક કોતરણીકામ કરવામાં આવ્યું અને અમેરિકા અને સમગ્ર વિશ્વમાંથી 12,500 સ્વયંસેવકો દ્વારા રૉબિન્સવિલમાં એક વિરાટ જિગ-સૉ પઝલની જેમ આ મંદિર આકાર પામ્યું.
અક્ષરધામ દ્વારા ન્યૂજર્સીમાં અત્યાર સુધીના સૌથી મોટા રકતદાન અભિયાનોમાંના એક એવા રકતદાન યજ્ઞ હેઠળ છેલ્લાં 10 અઠવાડિયામાં 10,000 જેટલી વ્યક્તિઓ માટે ઉપયોગી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન નિમિત્તે 30 સપ્ટેમ્બરથી ચાલી રહેલાં નવદિવસીય વિશિષ્ટ કાર્યક્રમ શૃંખલામાં સેંકડો મહાનુભાવો અને સ્વયંસેવકોએ અક્ષરધામ વિશે પોતાનો અહોભાવ રજૂ કર્યો. આ ઉપરાંત છેલ્લાં 75 કરતાં વધુ દિવસથી ચાલી રહેલાં ‘ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ’ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત મહાનુભાવો અને મુલાકાતીઓએ અક્ષરધામના દર્શન-મુલાકાત દ્વારા તેઓની ગહન અનુભૂતિઓને રજૂ કરી હતી.
અક્ષરધામમાં હિંદુ શાસ્ત્રોમાંથી સંદેશાઓ ઉપરાંત અબ્રાહમ લિંકન, કન્ફ્યુશિયસ, બુદ્ધ, મીરાબાઈ, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, અને અન્ય અનેક મહાપુરુષોના અવતરણો મહામંદિરના વિઝડમ પ્લિન્થમાં મૂકવામાં આવ્યા છે.
માત્ર હિન્દુ અમેરિકાનો માટે જ નહીં, પરંતુ સમગ વિશ્વના લોકો માટે, અક્ષરધામ, હિન્દુ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિને સમજવાનું સ્થાન છે. કળા અને સ્થાપત્યના જિજ્ઞાસુઓ માટે આ અક્ષરધામ જ્ઞાન અને શિક્ષણનું ધામ બની રહેશે.
નેલ્સન મંડેલાના સૌથી મોટા પૌત્રી નદિલેકા મંડેલાએ અક્ષરધામમાં અગાઉ યોજાયેલા મહિલા કાર્યક્રમમાં જણાવ્યું હતું, “સંવાદિતા, એકતા અને સર્વસમાવેશકતા દ્વારા, તમે તમારા આધ્યાત્મિક ગુરુઓના માર્ગદર્શન હેઠળ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. મને ખાતરી છે કે નેલ્સન મંડેલા અને મહાત્મા ગાંધી જેવા મહાન વ્યક્તિઓ જો આ જુએ તો અક્ષરધામની આ સુંદર કળા અને સ્થાપત્યને જરૂર બિરદાવે. એટલું જ નહીં, અક્ષરધામના પાયામાં જે શાંતિ, સંવાદિતા અને એકતાના મૂલ્યો છે તેને અવશ્ય પ્રોત્સાહિત કરે.”
કાર્યક્રમના અંતમાં ભવ્ય આતશબાજીથી અક્ષરધામ પરિસર તેજરશ્મિઓથી ઝળહળી ઉઠ્યું હતું.
અર્વાચીન યુગમાં નિર્મિત વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર એવા અક્ષરધામના સર્જનમાં 12 વર્ષ લાગ્યા છે.