Dihor: રાજસ્થાન અકસ્માતમાં મોતને ભેટેલા 10 લોકોના મૃતદેહ ગામમાં પહોંચતા જ વાતાવરણ થયું ગમગીન, પરિજનોનું હૈયાફાટ રુદન
ભાવનગર: રાજસ્થાનના ભરતપુર પાસેની દુર્ઘટનામાં ભાવનગરના 12 યાત્રાળુઓ માટે જીવનની અંતિમયાત્રા બની ચૂકી છે. આ દુર્ઘટનાના 24 કલાક બાદ તમામના પાર્થિવ દેહને પોતાના વતન દિહોર ગામ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં પૂરાં ગામ દ્વારા અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ગામમાં અનેક પરિવારોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. હર્ષ ઉલ્લાસ સાથે રાજસ્થાનથી ગોકુળ મથુરા જતી બસને દુર્ઘટના નડતા 12 નિર્દોષ શ્રદ્ધાળુઓ જીવ ગુમાવાનો વારો આવ્યો હતો.
દિહોર ગામમાં આજે એક સાથે 10 અર્થી ઉઠતા હૈયાફાટ રુદન વચ્ચે તમામની અંતિમવિધિ કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામેથી ગોકુળ-મથુર, હરિદ્વારની ધાર્મિક યાત્રાએ નીકળેલી ટ્રાવેલ્સ બસને રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં દર્દનાક માર્ગ અકસ્માત નડયો હતો. આ ગોઝારી કરૂણ ઘટનામાં તળાજા તાલુકાના 1 અને દિહોર ગામના 10 અને ભાવનગરના ૦૧ મળી ૧૨ શ્રધ્ધાળુને મથુરા પહોંચે તે પહેલા મોતને ભેટ્યા હતા.
રાત્રે હાઈવે પર બનેલી કમકમાટીભરી ઘટનાને કારણે રાજસ્થાન નેશનલ હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ચારે કોર લાસો વિખેરાયેલી પડી હતી.
કાળજુ કંપાવી દેનારી ગોઝારી દુર્ઘટના અંગે મળતી વિગત અનુસાર તળાજા તાલુકાના દિહોર ગામેથી બજરંગદાસ બાપા આશ્રમ સેવક સમુદાય દ્વારા હરિદ્વાર, ગોકુળ-મથુર વગેરે ધાર્મિક સ્થાનકોની બસ યાત્રાનું આયોજન કરાયું હતું.
ગત શનિવારે ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સની સ્લીપર બસ નં.જીજે.૦૪.વી.૭૭૪૭માં મહિલાઓ, પુરૂષો મળી ૫૭ શ્રધ્ધાળુ અને ડ્રાઈવર-કંડક્ટર, રસોયા મળી કુલ ૬૪ મુસાફરો રવાના થયા હતા.
મંગળવારે પુષ્કર પહોંચ્યા બાદ રાત્રિના ૯ કલાકે જમણવાર પુરો કરી યાત્રાળુઓની બસ ગોકુળ-મથુરા જવા માટે નીકળી હતી. ત્યારે વહેલી સવારે ૪-૧૫ વાગ્યે રસ્તામાં અચાનક ડીઝલ પાઈપ ફાટતા બસ ઉભી રાખી રિપેરીંગ અને ડીઝલની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી. તે વેળાએ જ કુદરતે કલ્પી ન શકાય તેવો લેખ લખ્યો હોય તેમ યમદૂત બનીને આવી રહેલ એક અજાણ્યા ટ્રેલર ટ્રકે બસની પાછળના ભાગે જોરદાર ટક્કર મારતા બસથી નીચે ઉભેલા અને અંદર રહેલા કુલ ૨૨ જેટલા લોકોને નાની-મોટી ગંભીર ઈજા થઈ હતી.
આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ૧૦ યાત્રિકોના સ્થળ પર અને બે શ્રધ્ધાળુના સારવારમાં મળી કુલ ૧૨ વ્યક્તિના કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા.