Somnath: સોમનાથમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન, 1400 પોલીસકર્મીઓ સાથે 36 બુલડોઝર રસ્તા પર, જુઓ તસવીરો
સોમનાથ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત કાટમાળ હટાવવા માટે 70 જેટલા ટ્રેક્ટર તૈનાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. અહીં સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયા છે, જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ કામે લાગી છે.
તો બીજી તરફ સોમનાથમાં ગુજરાત સરકારની અત્યાર સુધીની સૌથી મોટી બુલડોઝર કાર્યવાહી સામે લોકો વિરોધ પણ કરી રહ્યા છે. આ પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલતો હતો. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર અતિક્રમણ ખાલી કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં અહીં ઘણા નવા કામો કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની ધારણા છે.
મોડી રાત્રે અતિક્રમણ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકઠા થઈ ગયા હતા અને હંગામો મચાવવાનું શરૂ કર્યું હતું. લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કોઈક રીતે લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી.વેરાવળ- સોમનાથ રોડ પર સેન્ટ મેરી સ્કૂલની સામેનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. ગત મોડી રાતથી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચ્યો હતો. સાથે જ 36થી વધુ જેસીબી મશીન પણ કાજલી રોડ પર જોવા મળ્યા હતા.
વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાં પણ રાત્રિના અહી પહોચ્યા હતા અને લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવાની સલાહ આપતા વિડીયો પણ તેમના વાઇરલ થયા હતા. સોમનાથ સર્કલ અને ભીડીયા સર્કલ પર અવર જવર બંધ કરવામાં આવી છે. પોલીસ દ્વારા મિડિયાને પણ પ્રતિબંધિત કરાયા છે. 36 બુલડોઝર, 1400 પોલીસ કર્મચારી, મોટી સંખ્યામાં ટ્રેકટરની મદદથી વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. સ્થળ પર 1400 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઘણા પોલીસ સ્ટેશનના દળો પણ સ્થળ પર હાજર છે. પોલીસની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી હજુ થોડો સમય ચાલુ રહેશે. હાલ સ્થિતિ કાબુમાં છે અને ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે.