Unseasonal rain: પાછોતરા વરસાદથી રાજકોટના ખેડૂતો થયા બરબાદ, સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માગ
ઉપલેટા પંથકમાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ઢાંક, તલગણા, ખારચીયા, સમઢીયાળા, કેરાળા, કાથરોટા, સેવંત્રા, ખાખી જાળીયા, મોટી પાનેલી, કોલકી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ભારે કમોસમી વરસાદ પડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડૂતોના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેતરોમાં તૈયાર સોયાબીન અને મગફળીના પાથરા હતા અને ઓળવવાની તૈયારી હતી, ત્યાં જ કુદરતે વિનાશ વેર્યો છે. મોટી પાનેલીમાં તો ખેતરો નદી બની ગયા હતા અને પાથરેલી મગફળી તથા સોયાબીન તણાઈ ગયા હતા.
ખેડૂતોએ જણાવ્યું કે આખું વર્ષ એક પછી એક પાકનું નુકસાન થઈ રહ્યું છે, પરંતુ તેઓ કશું બોલી શકતા નથી. હવે તેમની દિવાળી બગડી ગઈ છે અને તેઓ સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે.
કેટલાક ખેડૂતો તો એટલા ભાવુક થઈ ગયા કે તેમણે કહ્યું કે હવે તેમના બાળકોને ફટાકડા અને મીઠાઈ તો દૂર, ઘરમાં દીવડા પણ કેવી રીતે કરશે.
મોટી પાનેલી અને કોલકીના ખેડૂતોના જણાવ્યા મુજબ, લગભગ 300થી 400 હેક્ટર (અંદાજે 25,000 વીઘા) જમીનમાં મગફળી અને સોયાબીનને નુકસાન થયું છે. તેઓ સરકાર પાસે તાત્કાલિક સહાયની માગણી કરી રહ્યા છે.