જર્મની સામેની ઐતિહાસિક જીતના આ 5 હીરો, ભારતે માત્ર 9 મિનિટમાં 4 ગોલ ફટકારીને કઈ રીતે પછાડ્યું જર્મનીને ? જાણો વિગત
Tokyo Olympics 2020: ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ભારતે જર્મનીને 5-4 થી હરાવ્યું છે અને 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમ મેડલ જીતી છે. ભારતે છેલ્લે 1980માં મોસ્કો ઓલિમ્પિકમાં વાસુદેવન ભાસ્કરનના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની આ ઐતિહાસિક જીતના હીરો ભારત માટે સિમરનજતીસિંહ, હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહ અને ગોલકીપર શ્રીજેશ હતા. ભારત વતી સિમરનજીત સિંહે બે ગોલ કર્યા હતા જ્યારે હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહે એક -એક ગોલ કરીને આ મેચમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે આ મેચમાં ખરાબ શરૂઆત કરી હતી. જર્મનીએ મેચની પ્રથમ મિનિટમાં ગોલ કરીને 0-1ની લીડ મેળવી હતી. જર્મની માટે તૈમુર ઓરુઝે ગોલ કર્યો હતો. ભારતને પાંચમી મિનિટે ગોલ કરવાની તક મળી પરંતુ રૂપિન્દર પાલ સિંહ પેનલ્ટી કોર્નરને ગોલમાં કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
પ્રથમ ક્વાર્ટરના અંતે જર્મનીએ ભારત ઉપર 0-1ની લીડ જાળવી રાખી હતી. બીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારત વતી 17મી મિનિટે સિમરનજીત સિંહે શાનદાર ફિલ્ડ ગોલ કરીને મેચ 1-1ની બરાબરી પર લાવી દીધી. જર્મનીએ એ પછી બે મિનિટના ગાળામાં બે ગોલ કરીને ભારત પર 1-3ની લીડ મેળવી લીધી.
હાર્દિક સિંહે 26મી મિનિટે પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને સ્કોર 2-3 કરી દીધો. હરમનપ્રીત સિંહની ડ્રેગ-ફ્લિકને જર્મન ગોલકીપરે રોકી હતી પરંતુ હાર્દિક સિંહે ફરીથી રિબાઉન્ડ પર ગોલ કર્યો હતો. 28મી મિનિટે ભારતને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો, આ વખતે હરમનપ્રીત સિંહની ડ્રેગ ફ્લિકે ભારતને 3-3થી આગળ કરી દીધું.
ત્રીજા ક્વાર્ટરમાં, ભારત વતી રૂપિન્દર પાલ સિંહે 31 મી મિનિટે ચોથો ગોલ કર્યો હતો. ત્રણ મિનિટ બાદ 34મી મિનિટે સિમરનજીત સિંહે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારતને આ મેચમાં 5-3ની લીડ અપાવી હતી. ભારતે માત્ર 9 મિનિટના ગાળામાં 4 ગો લ કરીને બાજી પલટી દીધી હતી. ચોથા ક્વાર્ટરની શરૂઆતથી જર્મનીએ આક્રમક હોકી રમીને ભારત પર દબાણ લાવવાનું શરૂ કર્યું. જર્મનીએ ચોથો ગોલ ફટકારીને ફરી 5-4ના સ્કોર સાથે આ મેચને રોમાંચક વળાંક પર લાવી દીધી પણ ભારતે વધારે ગોલ નહોતા કરવા દીધા. ગોલકીપર શ્રીજેશે શાનદાર દેખાવ કરીને જર્મનોને ફાવવા નહોતા દીધા.