કોલંબો: શ્રીલંકાની ક્રિકેટ ટીમના ઘણાં ખેલાડીઓએ પાકિસ્તાનનો બોયકોટ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ક્રિકેટ સિરીઝ માટે તેઓ પાકિસ્તાન નહીં જાય. શ્રીલંકાના 10 ખેલાડીઓએ સુરક્ષાને ધ્યાનમાં રાખતાં પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે.


શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન જઈને સિરીઝ રમવાની હા પાડી હતી પણ હવે ટીમના ખેલાડીઓએ પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે. આ ખેલાડીઓમાં ટી20 ઈન્ટરનેશનલ ટીમના કેપ્ટન લસિથ મલિંગા અને એન્જેલો મેથ્યુઝ જેવા મોટા નામ સામેલ છે. પરંતુ શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે હજુ આ મુલાકાત રદ્દ કરવાનો અથવા સ્થગિત કરવાનો નિર્ણય લીધો નથી.

ક્રિકઈન્ફોના રિપોર્ટ મુજબ, શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે, શરૂઆતની ટીમમાં સામેલ ખેલાડીઓને 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલ 6 મેચોની સીમિત ઓવરોની સિરીઝ માટે સુરક્ષા વ્યવસ્થાની જાણકારી આપી હતી. પરંતુ 10 ખેલાડીઓએ હટવાનો નિર્ણય લીધો છે.

શ્રીલંકાના આ 10 ખેલાડીઓમાં લસિથ મલિંગા, એન્જેલો મેથ્યુઝ સિવાય નિરોશાન ડિકવેલા, કુસલ પરેરા, ધનંજય ડિસિલ્વા, તિસારા પરેરા, અકીલા ધનંજય, સુરંગા લકમલ, દિનેશ ચંડીમલ અને દિમુથ કરુણારત્ને સામેલ છે.

શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે આ મુદ્દે એક મહત્વની બેઠક કરી હતી અને જણાવ્યું હતું કે, બોર્ડે ખેલાડીઓની સુરક્ષાના મુદ્દે વાત કરી હતી અને સાથે જ ખેલાડીઓને આ વિકલ્પ પસંદ કરવાની સ્વતંત્રતા આપી હતી કે તેઓ જાતે નક્કી કરે કે તેમણે સિરીઝ માટે પાકિસ્તાન જવું જોઈએ કે નહીં. અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં જ્યારે શ્રીલંકાની ટીમ પાકિસ્તાન ગઈ હતી ત્યારે તેમના પર આતંકવાદી હુમલો થયો હતો અને તેઓને મુશ્કેલીથી બચાવવામાં આવ્યા હતા.