નવી દિલ્હીઃ આઈપીએલ 2019 ટુર્નામેન્ટ અંતિમ તબક્કામાં છે ત્યારે સ્ટેડિયમમાં બેસીને મેચ જોનારાઓનું ગમે ત્યારે નસીબ ખુલી શકે છે. આઈપીએલની 12મી સિઝનમાં છેલ્લા બે મેચ બાકી છે પણ દર્શકો માટે હજુ પણ ઈનામ જીતવાની તક છે. મેચની રૂપિયા 2,000ની ટીકિટ લઈને મેચ જોવા પહોંચેલા એક યુવકનું નસીબ ખુલી ગયું છે.

આ યુવકે દિલ્હી કેપિટલ્સના ખેલાડી રિષભ પંતનો એક કેચ પકડ્યો હતો. એક હાથે કેચ પકડનારને આઈપીએલના સ્પોન્સર્સ ઈનામ આપે છે. જે દર્શક બેટ્સમેને ફટકારેલા બોલનો એક હાથે કેચ પકડે છે એમને ઈનામ મળે છે. જેમાં રૂપિયા 1 લાખનું ઈનામ હોય છે.


બુધવારે જ્યારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ યોજાઈ હતી ત્યારે આ મેચની બીજી ઈંનિગ્સમાં દિલ્હી ટીમના ખેલાડી રિષભ પંતે ભૂવનેશ્વરની ઓવરમાં છગ્ગો ફટકાર્યો હતો. 90 મીટર લાંબી આ સિક્સમાં બોલ મિડ ઓફ સાઈડ સ્ક્રિન પાસે પડ્યો હતો. જ્યાં એક દર્શકે આ કેચ પકડ્યો હતો અને એ પણ એક જ હાથે.