બ્રિસ્ટલઃ એક વર્ષના પ્રતિબંધ બાદ પોતાની પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમી રહેલા ડેવિડ વોર્નરની અણનમ અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને વર્લ્ડકપની પ્રથમ મેચમાં સાત વિકેટે હાર આપી હતી. અગાઉ અફઘાનિસ્તાનની ટીમ 38.2 ઓવરમાં 207 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 34.5 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 209 રન બનાવી મેચ જીતી લીધી હતી. આ મેચમાં ઓપનર ડેવિડ વોર્નરે અણનમ 89 રન ફટકાર્યા હતા. તે સિવાય એરોન ફિંચે પણ 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથ અને વોર્નર બોલ ટેમ્પરિંગ વિવાદને લઇને લાગેલા પ્રતિબંધ બાદ પ્રથમવાર ઓસ્ટ્રેલિયા તરફથી રમી રહ્યા હતા. ડેવિડ વોર્નરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામા આવ્યો હતો. વોર્નરે કહ્યું કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાછા ફરવાથી સારુ લાગી રહ્યુ છે. આ જીત અમારા માટે ખૂબ સારી છે. વોર્નરે કેપ્ટન ફિંચ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. ફિંચ 17મી ઓવરમાં નબીનો શિકાર બન્યો હતો. બાદમાં મેદાન પર આવેલા ઉસ્માન ખ્વાજા વધુ કાંઇ કરી શક્યો નહોતો અને તે રાશિદ ખાનની ઓવરમાં એલબીડબલ્યૂ આઉટ થયો હતો. ત્યારબાદ સ્મિથ પણ ફક્ત 18 રન પર પેવેલિયન ભેગો થયો હતો.

આ અગાઉ અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી અને ફક્ત પાંચ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ બાદમાં  નાઝીબુલ્લાહ જાદરાના 51 અને રહમત શાહના 43 અને રાશિદ ખાનના 27 રનની મદદથી અફઘાનિસ્તાન પોતાનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સ અને ઝમ્પાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી અને સ્ટોઇનિસે બે વિકેટ ઝડપી હતી.