આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં ગુરૂવારે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની મેચ સાથે જ શરૂ થઈ ગયો છે. ઈંગ્લેન્ડે ઓવલમાં રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરતા 8 વિકેટે 311 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાની શરૂઆત હાશિમ અમલા અને ક્વિંટન ડી કોકે કરી હતી.

ઈનિંગની ચોથી ઓવર હતી અને સ્કોર વિના વિકેટે 14 રન હતો ત્યારે હાશિમ અમલા ઈજાગ્રસ્ત થયો હતો. અમલા જોફ્રા આર્ચરની એક બાઉન્સરને પારખી શક્યો નહીં અને જ્યાં સુધી તે બોલને સમજી શકે ત્યાં સુધી બોલ તેના હેલમેટ પર ટકરાયો હતો. આ બોલની ઝડપ 144.8 કિમી પ્રતિ કલાકની હતી.

હાશિમ અમલાએ હેલમેટ ઉતારીને પોતાના માથા પર હાથ ફેરવ્યો હતો. ત્યાં સુધીમાં દક્ષિણ આફ્રિકાનાં ફિઝિયો અને ડોક્ટર પહોંચી ગયા હતા. તેમણે અમલાની ઈજાને તપાસી, તેની સાથે વાત-ચીત કરીએ અને તેને પેવેલિયન પરત આવવાની સલાહ આપી.