નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાએ ભારત પ્રવાસ પહેલા એક મોટો દાવ રમ્યો છે. તેમણે આ પ્રવાસ માટે ભારતના અમોલ મઝુમદારને પોતાના બેટિંગ કોચ બનાવ્યા છે. તેમને ડેલ બેંકોસ્ટાઇનના સ્થાને આ જવાબદારી આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકી ટીમ 15 સપ્ટમ્બરથી ભારતીય ટીમ વિરૂદ્ધ ટી-20 સિરીઝ રમશે. બંને ટીમો વચ્ચે ત્રણ ટી-20 મેચ રમાશે. તેના પછી બે ઓક્ટોબરથી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે.

રણજીના ઈતિહાસમાં બીજો સર્વાધિક સ્કોરર મઝુમદારની પાસે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) પાસેથી હાઈ પરફોર્મંસ કોચિંગનું પ્રમાણપત્ર હાસિલ છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રાજસ્થાન રોયલ્સને પણ બેટિંગમાં કોચિંગ આપી રહ્યો છે.

44 વર્ષીય મઝુમદારે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 48.13ની સરેરાશ સાથે 11,167 રન કર્યા હતા. એમને ભારતીય ટીમ વતી ટેસ્ટ ક્રિકેટમાં રમવાનો ક્યારેય મોકો મળ્યો નહોતો. અમોલ મઝુમદાર કહ્યું, 'એક ખેલાડી તરીકે પિચ પર 25 વર્ષ પસાર કર્યા બાદ હું મારા કોચિંગ કરિયરના એક નવા અધ્યાયને લઈને ખુબ ઉત્સાહિત છું.'

ટી20 સિરીઝ બાદ બંન્ને ટીમો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 2 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમમાં, બીજી 10 ઓક્ટોબરથી પુણે અને ત્રીજી 19 ઓક્ટોબરથી રાંચીમાં રમાશે. દક્ષિણ આફ્રિકાએ ઓટિસ ગિબ્સનનો કાર્યકાળ આગળ વધાર્યો નથી અને ઇનોક ક્વે ટીમના નવા ડાયરેક્ટરના રૂપમાં ટીમની સાથે ભારતના પ્રવાસ પર આવ્યા છે.

ક્રિકેટ દક્ષિણ આફ્રિકાના કાર્યવાહક ડાયરેક્ટર કોરી વૈન જિલે કહ્યું કે, અમોલ અમારી ટીમ ટીમ માટે યોગ્ય છે. તેણે કહ્યું, 'તે ભારતીય રમત પરિસ્થિતિઓથી વાકેફ છે. તે અમારા બેટ્સમેનોની સામે આવનારા પડકારોને જાણે છે. તેણે હાલમાં ભારતમાં આયોજીત સ્પિન બોલિંગ શિબિરમાં પણ અમારી મદદ કરી હતી.'