ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ લાહોરમાં રમાઈ રહી છે. મેચના પહેલા દિવસે અહીં એક વિચિત્ર ઘટના બની હતી. મેચના પહેલા સેશનની 11મી ઓવરમાં સ્ટીવ સ્મિથ બ્રોડકાસ્ટિંગ કેમેરા પર ગુસ્સે થઈ ગયો હતો. તેણે આ અંગે અમ્પાયરને ફરિયાદ પણ કરી હતી.
હકીકતમાં મેચના બ્રોડકાસ્ટિંગમાં ઉપયોગમાં લેવાતો રોબોટિક કેમેરા સતત બાઉન્ડ્રીની બહાર ફરતો હતો. જેના કારણે સ્ટીવ સ્મિથનું ધ્યાન ભટકી રહ્યું હતું. હસન અલી જ્યારે 11મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો ત્યારે પણ કેમેરાની હિલચાલને કારણે સ્ટીવ સ્મીથનું ધ્યાન ભટકી ગયું હતું. તેણે બોલનો બચાવ કર્યો અને પછી કેમેરા તરફ ઈશારો કરીને ઉગ્રતાથી પોતાનો ગુસ્સો કેમેરા પર ઠાલવ્યો હતો. જો કે પાકિસ્તાન ક્રિકેટના ટ્વીટર હેન્ડલ પરથી આ વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો અને લખવામાં આવ્યું હતું કે, બગ્ગી (રોબોટ કેમેરા)એ પોતાની માફી મોકલી છે.
સ્મિથે ઓસ્ટ્રેલિયાને ઉગાર્યુંઃ
મેચના પ્રથમ દિવસે પાકિસ્તાની બોલરોએ પ્રથમ સેશનની શાનદાર શરૂઆત કરી હતી. શાહીન આફ્રિદીએ ઓસ્ટ્રેલિયાના બે બેટ્સમેનોને 8 રનના કુલ સ્કોર પર પેવેલિયન ભેગા કરી દીધા હતા. અહીંથી સ્ટીવ સ્મિથ અને ઉસ્માન ખ્વાજાએ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને સંભાળી હતી. બંને વચ્ચે 138 રનની ભાગીદારી નોંધાઈ હતી. સ્ટીવ સ્મિથ 59 રન બનાવીને નસીમ શાહની બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો હતો. દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 232 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 92 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ
ભગવંત માન સરકારની મોટી ગિફ્ટ, પંજાબના ગ્રુપ સી અને ગ્રુપ ડીના 35 હજાર હંગામી કર્મચારીને કરાશે કાયમી