Australian Open 2023:  ભારતની સાનિયા મિર્ઝા અને રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં પહોંચી ગયા છે. ભારતીય જોડીએ સેમિફાઇનલમાં ગ્રેટ બ્રિટનના નીલ સ્કુપસ્કી અને યુએસએની ડેઝીરી ક્રાવઝિકને 7-6, 6-7 (10-6)થી હરાવ્યું હતું. અગાઉ, ભારતીય જોડીએ તેમની ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં જેલેના ઓસ્ટાપેન્કો અને ડેવિડ વેગા હર્નાન્ડીઝની લાતવિયન અને સ્પેનિશ જોડી સામે વોકઓવર મેળવ્યું હતું.


સાનિયાનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ


આ સાનિયાનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ છે. તેથી ફાઈનલમાં પહોંચવું સાનિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફાઇનલમાં ક્વોલિફાય થયા બાદ ટોચનો ભારતીય ટેનિસ સ્ટાર વધુ એક ગ્રાન્ડ સ્લેમ ટાઇટલનું સપનું જોશે.






સાનિયાની કરિયર


સાનિયા મિર્ઝાએ અત્યાર સુધીમાં 3 મિક્સ્ડ ડબલ્સ અને 3 મહિલા ડબલ્સ સહિત 6 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. તેણે મહિલા ડબલ્સમાં 2015માં વિમ્બલ્ડન અને યુએસ ઓપન અને 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. 2009માં વિમ્બલ્ડન, 2012માં ફ્રેન્ચ ઓપન અને 2014માં મિશ્ર ડબલ્સમાં યુએસ ઓપન જીત્યો હતો. સાનિયા મિર્ઝા અને મહેશ ભૂપતિએ 2009માં ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.


અદાણીએ ખરીદી અમદાવાદની વુમન્સ પ્રીમિયર લીગની ટીમ


પુરૂષ ખેલાડીઓની માફક જ મહિલાઓ માટે પણ આઈપીએલનો શરૂઆત કરવામાં આવી છે. ભારતમાં થનારી આ વુમન્સ આઈપીએલ માટે પાંચ ફ્રેંચાઈઝી બનાવવામાં આવી છે. તેમાં અમદાવાદની ક્રિકેટ ટીમ જાણીતા બ્રિઝનેસ હાઉસ અદાણી દ્વારા ખરીદવામાં આવી છે. મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ બદલી દેવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે જણાવ્યું હતું કે, તેનું નામ વુમન્સ પ્રીમિયર લીગ રાખવામાં આવ્યું છે. આમાં કુલ 5 ટીમો રમશે. જેમાં અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી અને લખનૌનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમોને ખરીદવા માટે ઘણી મોટી કંપનીઓએ દાવ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે અમદાવાદની ટીમ ખરીદી લીધી છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેંગ્લોરની ટીમ ખરીદી લીધી છે. કંપનીઓએ આ ટીમો માટે મોટી રકમ ચૂકવી છે.


 ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બુધવારે ODI રેન્કિંગ જાહેર કરી. જેમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ બે સ્થાનની છલાંગ લગાવીને વિશ્વનો નંબર 1 ODI બોલર બન્યો છે. સિરાજને 729 પોઈન્ટ મળ્યા છે અને આ સાથે તે ટોપ પર પહોંચી ગયો છે. સિરાજે ન્યૂઝીલેન્ડના ટ્રેન્ડ બોલ્ટને પાછળ છોડી દીધો છે, જેની પાસે માત્ર 727 પોઈન્ટ છે, જ્યારે આ યાદીમાં મિચેલ સ્ટાર્ક, રાશિદ ખાન અને જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલર પણ છે, પરંતુ તેઓ પણ સિરાજની સામે નિષ્ફળ જાય છે.