નવી દિલ્હી: બંગાળ ક્રિકેટ એસોસિએશનના(સીએબી) નવા અધ્યક્ષ તરીકે બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ જગમોહન દાલમિયાના પુત્ર અભિષેક દાલમિયાની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બીસીસીઆઈ અધ્યક્ષ બનતા આ પદ ખાલી હતું. જ્યારે સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશીષ ગાંગુલીને સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, સીએબીની બેઠકમાં અભિષેક દાલમિયાને બિનહરિફ અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. જ્યારે સ્નેહાશીષ નવા સચિવ તરીકે ચૂંટવામાં આવ્યા છે. અભિશેષ આ પહેલા સીએબીમાં સચિવ પદ સંભાળી રહ્યા હતા, જ્યારે ગાંગુલી અધ્યક્ષ હતા. ગાંગુલીએ ગત વર્ષે ઓક્ટોબરમાં બીસીસીઆઈના અધ્યક્ષ પદ સંભાળ્યું હતું.


સ્નેહાશીષ બંગાળ માટે રણજી ક્રિકેટ રમી ચુક્યા છે પરંતુ પોતાના કેરિયરમાં ઈન્ટરનેશનલ મેચ રમી શક્યા નથી. તેમણે પોતાના કેરિયરમાં 59 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં 2534 રન બનાવ્યા છે. જેમાં 6 સદી અને 11 ફિફ્ટી સામેલ છે.