ઢાકાઃ હાલ ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં 24 લાખ કરતા વધારે લોકો આ મહામારીનો ભોગ બન્યા છે. જેમાંથી 1,65,000 લોકોના મોત થયા છે. કોરોના મહામારી સામે લડવા આમ આદમીથી લઈ સેલિબ્રિટી સહિત તમામ લોકો સામે આવ્યા છે.


આ દરમિયાન બાંગ્લાદેશના વિકેટ કિપર બેટ્સમેન મુશફિકુર રહીમે તેના બેટની હરાજી કરીને તેનાથી થનારી આવક કોવિડ-19 રાહત ફંડમાં આપવાનો નિર્ણય લીધો છે. રહીમે 2013માં આ બેટથી શ્રીલંકા સામે બેવડી સદી ફટકારી હતી.

રહીમે કહ્યું, આ હરાજી ઓનલાઈન થશે અને જોઈએ તેની કેટલી કિંમત ઉપજે છે. હરાજીની રકમનો ઉપયોગ ગરીબો માટે ખર્ચ કરવામાં આવશે.

બાંગ્લાદેશ તરફથી અત્યાર સુધીની કુલ ટેસ્ટમાં કુલ 5 બેવડી સદી બેટ્સમેનોએ ફટકારી છે. જેમાંથી ત્રણ તો મુશફિકુર રહીમે લગાવી છે, જ્યારે બાકીની એક-એક ઓલરાઉન્ડર શાકિબ અલ હસન અને તમીમ ઈકબાલે લગાવી છે.

આ પહેલા બાંગ્લાદેસના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ટીમના સાથીઓને બેટ, જર્સી અને અન્ય વસ્તુઓની હરાજી કરીને સંકટના સમયમાં ગરીબ લોકોને મદદ કરવાની અપીલ કરી હતી. 2019ની વર્લ્ડકર વિજેતા ઈંગ્લેન્ડની ટીમના ખેલાડી જોસ બટલરે ફાઈલનમાં પહેરેલી જર્સી હરાજી કરીને 65,100 પાઉન્ડ એકત્ર કર્યા હતા.