નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર છે જ્યાં ટીમ હવે ટેસ્ટ સીરીઝ રમશે. ટી20 અને વનડે સીરીઝ બાદ ટીમ ન્ડિયા હાલમાં વેસ્ટ ઇન્ડિઝ એ સાથે પ્રેક્ટિસ મેચ રમી રહી છે, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં ટીમ ઇન્ડિયાની ઉપર હુમલો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે પીસીબીએ બીસીસીઆઈને જાણ કરી હતી.


વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડને પણ આ વિશે જાણ કરી દેવામાં આવી છે. વિન્ડીઝ બોર્ડે દરેક શક્ય મદદનો વિશ્વાસ અપાવ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ટીમ ઇન્ડિયાના મેનેજર સુનીલ સુબ્રમણ્યમે બધા ખેલાડીઓને આ વિશે જણાવી દીધું છે અને ખેલાડીઓને સાવધાન રહેવા કહ્યું છે. સાથે ક્યાંક બહાર જાય તો સૂચના આપવા કહ્યું છે.

જોકે આ અહેવાલને આઈસીસી અને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે ફગાવી દીધા છે અને તેને અફવા ગણાવી છે. ત્યાં સુધી કે ભારતીય ક્રિકેટ ટીમને કોઈ વિશેષ સુરક્ષા પણ આપવામાં નથી આવી. બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ રવિવાર સાંજે પીટીઆઈ-ભાષાને કહ્યું કે, અમે તેની જાણકારી સુરક્ષા એજન્સીઓને આપી અને જાણ્યું કે ધમકી નકલી હતી. જોકે બીસીસીઆઈ સુરક્ષા માટે તમામ પગલાં ઉઠાવી રહ્યું છે અને સુનિશ્ચિત કરી રહ્યું છે કે તેનાથી કોઈ સમજૂતી નહીં થાય.

અધિકારીએ કહ્યું કે, અમે તેની જાણકારી એન્ટિગુઆ સ્થિત ભારતીય હાઇ કમિશનને આપી. તેઓએ તેની જાણકારી સરકારને આપી. સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે અને જરૂર પડતાં તેને વધારવામાં આવશે. હાલમાં પહેલાની જેમ જ સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.