નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે જ્યાં ઘરેલૂ ક્રિકેટમાં પૈસા આપીને રમવાનો વધુ એક મામલો બાહર લાવ્યો છે, ત્યાં બીસીસીઆઈ પણ આનાથી પરેશાન છે. ત્યાં સુધી કે પ્રશાસકોની સમિતિએ વારંવાર એ કહીને તેને દબાવવાનાં પ્રયત્ન કર્યા છે કે બધું જ નિયંત્રણમાં છે અને ભ્રષ્ટાચાર વિરોધી કમિટી (એયૂસી) તમામ ખેલાડીઓ પર નજર રાખી રહી છે. એયૂસી ખાસ રીતે ગત સીઝનમાં આવેલી 9 ટીમોનાં ખેલાડીઓ પર નજર રાખી રહી છે.


બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, જ્યારે નવી ટીમોને સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, ત્યારે સીઓએને એ વાતથી વાકેફ કરી દેવાયા હતા. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે, ‘આ વાત વિશે અમે ઘણી વખત ચેતવણી આપી હતી. બીસીસીઆઈ તેનાથી માત્ર સ્ટેટમેન્ટ આપીને બચી ન શકે, કેમકે બધા ખેલાડીઓ બીસીસીઆઈમાં રજિસ્ટર્ડ છે.’

અધિકારીએ કહ્યું કે, ‘સત્રની વચ્ચે સીઓએ દ્વારા યોગ્યતાના નિયમોમાં ફેરફાર એક અલગ મુદ્દો છે. પુડુચેરીના મામલામાં બીસીસીઆઈએ ઘણા બહારના ખેલાડીઓને મંજૂરી આપી હતી અને નિયમોને તોડવા-મરોડવામાં આવ્યા હતા. તેમને બાદમાં પ્રતિબંધિત કરી દેવાયા. જે આશ્ચર્યજનક વાત હતી તે એ હતી કે પુડુચેરીના અધિકારીઓ સામે કેમ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવી? તેની પોલીસ દ્વારા તપાસ કરાવવી જોઈતી હતી. કેમ કેટલાક લોકોને સીઓએ અને બીસીસીઆઈના કર્મચારીઓ દ્વારા લાભ આપવામાં આવ્યો?’

પુડુચેરીનો મામલો સામે આવ્યો હતો ત્યારે બીસીસીઆઈનાં ક્રિકેટ સંચાલનનાં જનરલ મેનેજર સબા કરીમે કહ્યું હતુ કે, “બીસીસીઆઈની ભ્રષ્ટાચાર વિરોધી કમિટીનાં ચીફ અજિત સિંહે અમને ખેલાડીઓનાં ટ્રાન્સફરનાં વિશે જણાવી દીધું છે.” સબા કરીમે ત્યારે કહ્યું હતુ કે, “જો કોઈ ટીમ અથવા ખેલાડી ખોટી રીતોનો ઉપયોગ કરતા જોવા મળશે તો તેની સામે કાર્યાવાહી થશે.” તો સીઓએનાં ચીફ વિનોદ રાયે કહ્યું હતુ કે, “અમે એસીયૂ કમિટીને મજબૂત કરવા પર વિચાર કર્યો છે. દરેક ઝોન પાસે એક એસીયૂ અધિકારી હશે.”