નવી દિલ્હીઃ એસ. શ્રીસંત આગામી વર્ષથી ક્રિકેટમાં વાપસી કરશે. બીસીસીઆઈના લોકપાલ ડીકે જૈને આદેશ કર્યો છે કે કથિત સ્પોટ ફિક્સિંગના કેસમાં કલંકિત ફાસ્ટ બોલર શ્રીસંત પર લગાવવામાં આવેલ પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2020ના રોજ ખત્મ થઈ જશે અને તે તમામ પ્રકારના ક્રિકેટના ફોર્મેટમાં રમી શકશે. નોંધનીય છે કે, ઓગસ્ટ 2013માં શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેના સિવાય રાજસ્થાન રોયલ્સના અજીત ચંદીલા અને અંકિત ચવ્હાણ ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ વર્ષે 15 માર્ચે બીસીસીઆઈની અનુશાસન સમિતિનો નિર્ણય બદલી નાખ્યો હતો. હવે સાત ઓગસ્ટના પોતાના નિર્ણયમાં જૈને કહ્યું હતું કે આ પ્રતિબંધ 7 વર્ષનો હશે અને શ્રીસંત આગામી વર્ષે રમી શકશે.

જૈને જણાવ્યું હતું કે હવે શ્રીસંત ૩૫ વર્ષ પાર કરી ચૂક્યો છે અને ક્રિકેટર તરીકે તેનો સર્વશ્રેષ્ઠ સમય પસાર થઇ ચૂક્યો છે. મારું માનવું છે કે કોઇ પણ પ્રકારની પ્રોફેશનલ ક્રિકેટ અથવા બીસીસીઆઇ કે તેના સભ્ય એસોસિયેશન સાથે જોડાવા અંગે શ્રીસંત ઉપરનો પ્રતિબંધ ૨૦૧૩ની ૧૩મી સપ્ટેમ્બરથી સાત વર્ષનો કરી દેવો યોગ્ય રહેશે.

બોર્ડે ૨૮મી ફેબ્રુઆરીએ કોર્ટમાં દલીલ કરી હતી કે શ્રીસંત ઉપર લાદવામાં આવેલો પ્રતિબંધ યોગ્ય છે કારણ કે તેણે મેચના પરિણામને પ્રભાવિત કરવાના પ્રયાસ કર્યા હતા. આ મામલે જ્યારે શ્રીસંતના વકીલે કહ્યું હતું કે આઈપીએલ મેચ દરમિયાન કોઈ સ્પોટ ફિક્સિંગ થઈ ન હતી અને શ્રીસંત ઉપર લગાવેલા આરોપના પક્ષમાં કોઈ પુરાવા મળ્યા નથી.

શ્રીસંત બે વર્લ્ડ કપ જીતનાર ટીમનો સભ્ય રહ્યો છે. 2007માં ટી-20 વર્લ્ડ કપ અને 2011માં વન-ડે વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય હતો. શ્રીસંત ટીમ ઇન્ડિયા તરફથી 27 ટેસ્ટ રમ્યો છે. જેમાં 87 વિકેટ ઝડપી છે. જ્યારે 53 વન-ડેમાં 75 અને 10 ટી-20માં 7 વિકેટ ઝડપી છે.