નવી દિલ્હીઃ બોલિવૂડના સૌથી સારા એક્ટરમાંથી એક રણવીર સિંહ ટૂંકમાં જ ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત ફિલ્મ 83માં જોવા મળશે. આ ફિલ્મ 10 એપ્રિલ 2020ના રોજ રિલીઝ થવાની છે. હાલમાં જ ફિલ્મનું નવું પોસ્ટર સામે આવ્યું છે, જેમાં એક્ટર તાહિર ભસીન જોવા મળી રહ્યો છે.

ફિલ્મના લીડ એક્ટર રણવીર સિંહે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ફિલ્મના બે પોસ્ટર શેર કર્યા છે. પહેલા પોસ્ટરમાં ફિલ્મનું નામ જોવા મળી રહ્યું છે, જ્યારે બીજી પોસ્ટરમાં એક્ટર તાહિર ભસીન ભારતીય બેટ્સમેન સુનિલ ગાવસકરની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ પોસ્ટરને શેર કરતા રણવીર લખે છે, તાહિર રાજ ભસીન ધ લિટલ માસ્ટર સુનીલ ગાવસકરની ભૂમિકામાં છે.


તમને જણાવીએ કે, ફિલ્મ 83 પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવના જીવન પર આધારિત એક ફિલ્મ છે. આ ફિલ્મમાં કપિલ દેવની ક્રિકેટ કારકિર્દી, કેપ્ટન બનવાની સફર અને વર્ષ 1983ના વર્લ્ડકપની કહાની દર્શાવવામાં આવશે.


આ ફિલ્મમાં રણવીર સિંહ એટલે કે કપિલ દેવની પત્ની રોમા દેવની ભૂમિકા દીપિકા પાદુકોણ ભજવવાની છે. ફિલ્મ પદ્માવત બાદ બન્ને આ ફિલ્મમાં સ્ક્રીન શેર કરતાં જોવા મળશે. રણવીર અને દીપિકા ઉપરાંત ફિલ્મમાં તાહિર રાજ ભસીન, સાકિબ સલીમ, જીવા, હાર્ડી સંધૂ અને બોમન ઈરાની પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ ઇંગ્લેન્ડમાં વિતેલા વર્ષે મેમાં શરૂ કરવામાં આવ્યું હતું. ફિલ્મના તમામ કેરેક્ટરની ટ્રેનિંગ ધર્મશાલાના ક્રિકેટ સ્ટેડિયમમાં થઈ હતી, જ્યાંથી સતત તસવીરો સામે આવી રહી હતી.


તાહિર રાજ ભસીન પહેલા રણવીર સિંહનું પણ એક પોસ્ટ સામે આવ્યું હતું, જેમાં તે કપિલ દેવની સ્ટાઈલમાં બેટિંગ કરતાં જોવા મળી રહ્યો છે. રણવીરે આ ફિલ્મ માટે પોતાના લુક પર ખૂબ મહેનત કરી છે.